એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અમન સહરાવતે ભારતને અપાવ્યો પહેલો ગોલ્ડ
Live TV
-
બે ફ્રીસ્ટાઈલ મેડલની સાથે ભારતે કુલ 13 મેડલ મેળવ્યા છે.
કજાકિસ્તાનના અસ્તાનામાં એશિયાઈ કુશ્તી ચેમ્પિયનશીપ 2023માં ભારતના અમન સહરાવતે કુશ્તીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ગયા વર્ષે સ્પેનમાં અંડર 23 વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતનાર પહેલા ભારતીય છે. એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં અમન સહરાવતે પ્રભાવી પ્રદર્શન જાળવી રાખતા ગુરુવારે 57 કિગ્રા વર્ગમાં કિર્ગિસ્તાનના અલ્માઝ સમાનબેકોવને 9-4થી હરાવી ભારતને એશિયન રેસલિંગ ચેમ્પિયનશિપમાં પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો. દિલ્હીના પ્રતિષ્ઠિત છત્રસાલ સ્ટેડિયમમાં ટ્રેનિંગ કરનારા 19 વર્ષીય સહરાવતે ક્વાર્ટર ફાઈનલમાં જાપાનના રિકુતો અરાઈને 7-1થી હરાવ્યા બાદ સેમીફાઈનલમાં ચીનના વાનહાઓ ઝૂને 7-4થી હરાવ્યો હતો. ગત વર્ષે અંડર-23 વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતનારા સહરાવતે 2023 સત્રમાં બીજું પોડિયમ સ્થાન મેળવ્યું. તેણે ફેબ્રુઆરીમાં જાગરેબ ઓપનમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બે અન્ય ભારતીય પહેલવાન પણ ગુરુવારે બ્રોન્ઝ મેડલ મુકાબલામાં પોતાના સ્થાન બનાવવામાં સફળ રહ્યા. દીપક કુકના (79 કિગ્રા) અને દીપક નેહરા (97 કિગ્રા) પોતાનો સેમીફાઈનલ મુકાબલો હાર્યા બાદ બ્રોન્ઝ મેડલ માટે રમશે.
બે ફ્રીસ્ટાઈલ મેડલની સાથે ભારતે કુલ 13 મેડલ મેળવ્યા છે. ગ્રીકો-રોમન પહેલવાનોએ 4 મેડલ અને મહિલા પહેલવાનોએ 7 મેડલ મેળવ્યા છે. ભારતીય મહિલા કુસ્તીબાજોએ બે રજત અને પાંચ કાંસ્યચંદ્રક એમ કુલ સાત મેડલ મેળવ્યા છે. મહિલા ટીમ રેન્કિંગમાં ભારતે ત્રીજું સ્થાન મેળવ્યું છે. છેલ્લી આવૃત્તિમાં, ભારતે 5 ચંદ્રક જીત્યા હતા અને ચોથા સ્થાને હતું. નિશા દહિયાએ 68 કિગ્રા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. અંશુ મલિક, સોનમ મલિક, મનીષા અને રીતિકાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.
