પાંચમી T20: ટીમ ઇન્ડિયા અંતિમ મુકાબલો પણ હારી, ઇંગ્લેન્ડે 4-0 થી સિરીઝ જીતી
Live TV
-
ભારતને ધ રોઝ બાઉલમાં રમાયેલી ટી20 સિરીઝની પાંચમી અને અંતિમ મેચમાં 56 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ યજમાન ઇંગ્લેન્ડે સિરીઝ 4-0 થી પોતાના નામે કરી લીધી છે. બંને દેશો વચ્ચે સિરીઝની પ્રથમ મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. ત્યારબાદની મેચમાં ઇંગ્લેન્ડે 4 વિકેટથી જીત મેળવી હતી અને ત્રીજી મેચમાં ભારતને 125 રનથી પરાજય આપ્યો હતો. ભારત ચોથી મેચ 9 વિકેટથી હારી ગયું હતું અને આ સાથે જ સિરીઝ પણ હાથમાંથી નીકળી ગઈ હતી. ટીમ ઇન્ડિયા પાસે અંતિમ મેચ જીતીને સિરીઝમાં ખાતું ખોલવાની તક હતી, પરંતુ તેમાં પણ સફળતા મળી ન હતી. હવે બંને દેશો 14, 16 અને 19 જુલાઈએ ત્રણ મેચની વનડે સિરીઝ રમશે.
શનિવારે(11 જુલાઈ) ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે જોસ બટલર અને કેપ્ટન હેરી બ્રૂકની 233 રનની ભાગીદારીની મદદથી 3 વિકેટ ગુમાવીને 257 રન બનાવ્યા હતા. ટીમે 8 ના સ્કોર પર ફિલિપ સોલ્ટ (6)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ બ્રૂકે બટલર સાથે બીજી વિકેટ માટે 233 રન જોડીને ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી. ટીમે 18.4 ઓવરમાં બટલરના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી, જે 64 બોલમાં 8 સિક્સ અને 12 ચોગ્ગા સાથે 131 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.
આ પછીના જ બોલ પર શાર્દુલ ઠાકુરે જેકબ બેથેલ (0)ની વિકેટ પણ ઝડપી હતી, પરંતુ કેપ્ટન અંત સુધી ક્રિઝ પર ટકી રહ્યા હતા. બ્રૂક 45 બોલમાં 8 સિક્સ અને 4 ચોગ્ગા સાથે 95 રન બનાવીને અણનમ રહ્યા હતા. ભારત તરફથી શિવમ દુબેએ 22 રન આપીને 2 વિકેટ ઝડપી હતી, જ્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ 1 વિકેટ લીધી હતી.
જવાબમાં ભારતીય ટીમ નિર્ધારિત ઓવરોમાં 8 વિકેટ ગુમાવીને 201 રન જ બનાવી શકી હતી. મહેમાન ટીમે 25ના સ્કોર પર અભિષેક શર્મા (3)ની વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સંજુ સેમસને ઈશાન કિશન સાથે બીજી વિકેટ માટે 30 રન જોડી ટીમને 55 ના સ્કોર સુધી પહોંચાડી હતી. સંજુ 14 બોલમાં 2 સિક્સ અને 3 ચોગ્ગા સાથે 27 રન બનાવી આઉટ થયા હતા.
ત્યારબાદ કેપ્ટન શ્રેયસ અય્યરે ઈશાન કિશન સાથે મળીને 30 બોલમાં 55 રનની ભાગીદારી કરી હતી, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા ન હતા. અય્યર 16 બોલમાં 28 રન બનાવીને આઉટ થયા હતા, જ્યારે ઈશાને 35 બોલમાં 9 બાઉન્ડ્રી સાથે 56 રનની ઇનિંગ રમી હતી. આ ઉપરાંત, તિલક વર્માએ 25 બોલમાં 53 રન બનાવ્યા હતા. ઇંગ્લેન્ડ તરફથી સેમ કરને 3 વિકેટ ઝડપી હતી, જ્યારે આદિલ રશીદે 2 વિકેટ લીધી હતી. જોફ્રા આર્ચર, જોશ ટંગ અને લિયામ ડોસનને 1-1 વિકેટ મળી હતી.
