વિમેન્સ T20 વર્લ્ડ કપ: શ્રીલંકાએ આયર્લેન્ડને 9 વિકેટથી હરાવ્યું
Live TV
-
કેપ્ટન ચામરી અટાપટ્ટુની અણનમ સદીની ઇનિંગની મદદથી શ્રીલંકાએ મંગળવારે કાઉન્ટી ગ્રાઉન્ડ ખાતે રમાયેલી વિમેન્સ ટી20 વર્લ્ડ કપ 2026ની 20મી મેચ 9 વિકેટે જીતી લીધી હતી. આ જીત સાથે શ્રીલંકાએ આગામી રાઉન્ડમાં પહોંચવાની આશા જીવંત રાખી છે.
'ગ્રુપ-બી'માં શ્રીલંકાની ટીમ 4માંથી 2 મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, જ્યારે સ્કોટલેન્ડ અને આયર્લેન્ડ ખિતાબની રેસમાંથી બહાર છે. આ ગ્રુપમાં ઈંગ્લેન્ડ ટોચ પર છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝ બીજા સ્થાને છે. આ બંને ટીમોએ શરૂઆતની ત્રણેય મેચ જીતી લીધી છે. ન્યુઝીલેન્ડની ટીમ 4 માંથી 2 મેચ જીતીને ત્રીજા સ્થાને છે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા આયર્લેન્ડની ટીમે 5 વિકેટ ગુમાવીને 130 રન બનાવ્યા હતા. આ ટીમે 19 રનના સ્કોર સુધી પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લિયા પોલે કેપ્ટન ગેબી લુઈસ સાથે ચોથી વિકેટ માટે 59 બોલમાં 66 રનની ભાગીદારી કરી હતી.
પોલ 27 બોલમાં 20 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી, ત્યારબાદ કેપ્ટને એલિસ ટેક્ટર સાથે પાંચમી વિકેટ માટે 28 રન જોડ્યા હતા. લુઈસ 50 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 59 રન બનાવીને આઉટ થઈ હતી. અહીં એલિસે 21 બોલમાં 3 ચોગ્ગાની મદદથી અણનમ 28 રનની ઇનિંગ રમી હતી. વિરોધી ટીમ તરફથી મિતાલી અયોધ્યા, સુગંધિકા કુમારી, ચામરી અટાપટ્ટુ અને નિલાક્ષિકા સિલ્વાએ 1-1 વિકેટ ઝડપી હતી.
જવાબમાં શ્રીલંકાએ 15.3 ઓવરમાં મેચ જીતી લીધી હતી. આ ટીમને કેપ્ટન ચામરી અટાપટ્ટુ અને ઇમેશા દુલાનીની ઓપનિંગ જોડીએ શાનદાર શરૂઆત અપાવી હતી. બંને ખેલાડીઓએ 72 બોલમાં 98 રન જોડ્યા હતા.
ઇમેશા 27 બોલમાં 3 ચોગ્ગા સાથે 20 રન બનાવીને પેવેલિયન પરત ફરી હતી, ત્યારબાદ કેપ્ટને નિલાક્ષિકા સિલ્વા સાથે બીજી વિકેટ માટે 36 રનની અણનમ ભાગીદારી કરીને ટીમને સરળ જીત અપાવી હતી.
અટાપટ્ટુ 61 બોલમાં 2 છગ્ગા અને 17 ચોગ્ગાની મદદથી 106 રન બનાવીને અણનમ રહી હતી, જ્યારે સિલ્વાએ 5 બોલમાં અણનમ 4 રન બનાવ્યા હતા. વિરોધી ટીમ તરફથી ઓર્લા પ્રેન્ડરગાસ્ટે 22 રન આપીને 1 વિકેટ ઝડપી હતી.
