શેફાલી વર્માનો ઐતિહાસિક રેકોર્ડ, T20Iમાં 3 હજાર રન બનાવનારી વિશ્વની યુવા મહિલા ક્રિકેટર
Live TV
-
શેફાલી વર્મા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3,000 રનનો આંકડો સ્પર્શ કરનારી વિશ્વની સૌથી નાની વયની મહિલા ક્રિકેટર બની ગઈ છે. શેફાલીએ આ સિદ્ધિ 22 વર્ષ અને 220 દિવસની ઉંમરે હાંસલ કરી છે. આ સાથે જ તેણે આયર્લેન્ડની ગેબી લુઈસનો 24 વર્ષ 347 દિવસનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
આ યાદીમાં યુએઈ (UAE)ની ઈશા ઓઝા (27 વર્ષ 139 દિવસ) ત્રીજા સ્થાને, ભારતની ઓપનર બેટર સ્મૃતિ મંધાના (27 વર્ષ 171 દિવસ) ચોથા સ્થાને અને વેસ્ટ ઈન્ડિઝની દિગ્ગજ ક્રિકેટર હેલી મેથ્યુઝ (27 વર્ષ 347 દિવસ) પાંચમા સ્થાને છે.
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે વિમેન્સ એશિયા કપ 2026 મેચમાં પાકિસ્તાન સામે 6 બોલમાં 1 છગ્ગો અને 1 ચોગ્ગા સાથે 12 રનની ઈનિંગ રમીને શેફાલીએ આ માઈલસ્ટોન પાર કર્યો હતો. તે વિમેન્સ T20Iમાં 3,000 રન બનાવનારી વિશ્વની 16મી અને સ્મૃતિ મંધાના તેમજ હરમનપ્રીત કૌર પછી ભારતની ત્રીજી ખેલાડી બની છે.
પાકિસ્તાન 55 રનમાં ઓલઆઉટ થઈ
મેચની વાત કરીએ તો, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમ 18.1 ઓવરમાં માત્ર 55 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મુનીબા અલી અને શવાલ ઝુલ્ફિકારે પ્રથમ વિકેટ માટે 27 રનની ભાગીદારી નોંધાવી હતી, પરંતુ ત્યારબાદ પાકિસ્તાની બેટિંગ લાઈનઅપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચરણી અને પ્રેમા રાવતે 3-3 વિકેટ જ્યારે દીપ્તિ શર્માએ 2 વિકેટ ઝડપી હતી. શેફાલી વર્માને પણ 1 વિકેટ મળી હતી.ભારતે 9 ઓવરની અંદર ટાર્ગેટ ચેઝ કર્યો
56 રનના સરળ ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે 8.4 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને જીત મેળવી લીધી હતી. ભારતને 13 રનના સ્કોર પર શેફાલી વર્મા (12)ના રૂપમાં પહેલો ઝટકો લાગ્યો હતો, ત્યારબાદ પ્રતિકા રાવલ (4) અને સ્મૃતિ મંધાના (9) પણ જલદી આઉટ થઈ ગઈ હતી.29 રનમાં 3 વિકેટ ગુમાવ્યા બાદ, કેપ્ટન હરમનપ્રીત કૌર (અણનમ 18) અને દીપ્તિ શર્મા (અણનમ 12)એ ચોથી વિકેટ માટે 28 બોલમાં 28 રનની ભાગીદારી કરીને ટીમને સરળ વિજય અપાવ્યો હતો. પાકિસ્તાન તરફથી ત્રણેય વિકેટ કેપ્ટન ફાતિમા સનાએ લીધી હતી.
