AUSvIND: પહેલી ટેસ્ટના પહેલા દિવસના અંતે ભારતનો સ્કોર 233/6, કોહલીની અડધી સદી
Live TV
-
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં આજથી શરૂ થયેલ ટેસ્ટ શ્રેણીની પહેલી ડેનાઇટ મેચમાં પહેલા દિવસના અંતે ભારતે 6 વિકેટના ભોગે 233 રન કર્યા છે. ટોસ જીતી ભારતે પહેલા બેટીંગ પસંદ કરી હતી. જોકે ભારતની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર પૃથ્વી શૉ મેચમાં બીજા જ બોલ પર શુન્ય રને સ્ટાર્કની ઓવરમાં બોલ્ડ થઇ ગયો હતો. ત્યાર બાદ મયંક અગ્રવાલ પણ મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ રહ્યો હતો અને પેટ કમિન્સની ઓવરમાં 17 રનના સ્કોર પર ક્લિન બોલ્ડ થયો હતો.
ત્યાર બાદ ચેતેશ્વર પુજારા, સુકાની વિરાટ કોહલી અને ઉપ સુકાની અજિંક્ય રહાણેએ બાજી સંભાળી હતી. પુજારા 43 રનના સ્કોર પર આઉટ થઇ જતાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. ત્યાર બાદ સુકાની અને ઉપ સુકાની કોહલી-રહાણેની જોડીએ બાજી સંભાળતા ચોથી વિકેટ માટે 88 રનની ભાગીદારી નોંધાવી હતી. આ સાથે કોહલીએ ટેસ્ટ કારકિર્દીમાં 23મી અડધી સદી નોંધાવી હતી. તેણે 8 ચોગ્ગાની મદદથી 74 રન નોંધાવ્યા હતા.
તો અજિંક્ય રહાણેએ 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 42 રન કરી સ્ટાર્કની ઓવરમાં LBW આઉટ થયો હતો. આમ 196 રનના સ્કોર પર ભારતની અડધી ટીમ પેવેલિયન ભેગી થઇ ગઇ હતી. હાલ સહા 9* રને અને અશ્વિન 15* રને મેદાન પર છે. ઓસ્ટ્રેલિયા તરફથી સ્ટાર્કે 2, હેઝલવુડ, પેટ કમિન્સ અને નાથન લિયોને 1-1 વિકેટ ઝડપી હતી.
