T20 સિરીઝ: દીપ્તિ શર્માનો પહેલો 'પંચ', ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે જીતનો સ્વાદ ચાખ્યો
Live TV
-
દક્ષિણ આફ્રિકામાં રમાઈ રહેલી 5 T-20 મેચોની સિરીઝમાં ભારતની સતત હારનો સિલસિલો ખતમ થઈ ગયો છે. સિરીઝની પ્રથમ ત્રણ મેચ ગુમાવી ચૂકેલી ભારતીય ટીમે ચોથી મેચમાં દીપ્તિ શર્માના બેટ અને બોલથી શાનદાર પ્રદર્શનના જોરે દક્ષિણ આફ્રિકાને 14 રને હરાવ્યું.
દક્ષિણ આફ્રિકા તરફથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતીય ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 185 રન બનાવ્યા હતા. ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલી જેમિમા રોડ્રિગ્સે 29 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 43 રનની ઇનિંગ રમી હતી.
ભારતીય ટીમને 185 સુધી પહોંચાડવામાં છઠ્ઠા નંબરે બેટિંગ કરવા આવેલી દીપ્તિ શર્મા અને સાતમા નંબરે બેટિંગ કરવા આવેલી રિચા ઘોષનું મહત્વનું યોગદાન રહ્યું હતું. બંનેએ અણનમ રહીને 38 બોલમાં 65 રનની ભાગીદારી કરી હતી. દીપ્તિએ 26 બોલમાં 5 ચોગ્ગાની મદદથી 36 અને રિચાએ 18 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 34 રન બનાવ્યા હતા.
186 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ 9 વિકેટે 171 રન જ બનાવી શકી અને 14 રનથી મેચ હારી ગઈ. દક્ષિણ આફ્રિકા માટે સુને લુસે સૌથી વધુ 40 રન અને તાઝમિન બ્રિટ્સે 30 રન બનાવ્યા હતા.
ભારતીય ટીમ માટે દીપ્તિ શર્માએ તેની ટી-20 કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ કરી હતી અને પ્રથમ વખત 5 વિકેટ લઈને ટીમને જીત અપાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી. દીપ્તિએ 4 ઓવરમાં 19 રન આપીને 5 વિકેટ લીધી હતી. ક્રાંતિ ગૌડ, શ્રી ચરણી, કાશવી ગૌતમ અને શેફાલી વર્માને 1-1 વિકેટ મળી હતી.
દીપ્તિ શર્માને બોલ અને બેટથી તેના ઉપયોગી અને મહત્વપૂર્ણ યોગદાન માટે 'પ્લેયર ઓફ ધ મેચ' પસંદ કરવામાં આવી હતી.સિરીઝનો પાંચમો અને અંતિમ મુકાબલો સોમવારે રમાશે. ભારતીય ટીમ આ મેચ જીતીને શ્રેણીમાં પોતાની હારના અંતરને ઓછું કરવાનો પ્રયાસ કરશે. દક્ષિણ આફ્રિકા હાલ શ્રેણીમાં 3-1થી આગળ છે.
