અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે સોનાના ભાવમાં રૂ.900થી વધુનો ઘટાડો, ચાંદીમાં પણ ઉતાર-ચઢાવ
Live TV
-
અમેરિકા અને ઈરાન વચ્ચેના સંઘર્ષના પાંચમા સપ્તાહમાં પ્રવેશતાની સાથે જ કોમોડિટી માર્કેટમાં મોટી હલચલ જોવા મળી રહી છે. સપ્તાહના પ્રથમ દિવસે જ કિંમતી ધાતુઓના ભાવમાં નરમાશ જોવા મળી છે. સામાન્ય રીતે યુદ્ધ જેવી સ્થિતિમાં સોનું સુરક્ષિત રોકાણ ગણાય છે, પરંતુ હાલની અસ્થિરતા વચ્ચે રોકાણકારોનો ઉત્સાહ ઓછો થતા સોનાના ભાવમાં 0.50 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે.
MCX પર આજના ભાવની સ્થિતિ
સોમવારે(30 માર્ચ) સવારે 10:43 વાગ્યાની આસપાસ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ(MCX) પર ભાવ આ મુજબ રહ્યા:
સોનું (એપ્રિલ કોન્ટ્રાક્ટ): સોનાના ભાવમાં ₹982(0.68%)નો ઘટાડો થતા પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹1,43,300 પર પહોંચ્યો હતો.
ચાંદી (મે કોન્ટ્રાક્ટ): ચાંદીમાં શરૂઆતી ઘટાડા બાદ રિકવરી જોવા મળી હતી. ચાંદી ₹767 (0.34%)ના ઉછાળા સાથે પ્રતિ કિલો ₹2,28,721 પર ટ્રેડ કરતી જોવા મળી હતી.વૈશ્વિક બજારમાં પણ ગાબડું
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં અંદાજે 1.7 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. કોમોડિટી એક્સચેન્જ(Comex) પર સોનું 2 ટકાથી વધુ તૂટીને 4,447 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચ્યું હતું, જોકે નીચલા સ્તરે ખરીદી નીકળતા ભાવ ફરી 4,500 ડોલરની આસપાસ સ્થિર થયા હતા.સોનાના ભાવ ઘટવા પાછળના મુખ્ય કારણો:
1. ક્રૂડ ઓઈલની અસર: કાચા તેલના વધતા ભાવ અને મોંઘવારીની આશંકાએ સોનાની માંગ પર અસર કરી છે.
2. કેન્દ્રીય બેંકો દ્વારા વેચવાલી: અહેવાલો મુજબ, તુર્કી જેવી કેન્દ્રીય બેંકોએ સોનાના ભંડાર વેચવાનું શરૂ કર્યું છે. તુર્કીએ યુદ્ધના શરૂઆતના બે સપ્તાહમાં અંદાજે 60 ટન સોનું વેચ્યું હોવાનું મનાય છે.
3. ડોલરની અછત: ઉર્જા આયાત કરતા દેશો માટે ક્રૂડ ઓઈલ મોંઘું થતા તેમની પાસે સોનું ખરીદવા માટે ડોલરની ઉપલબ્ધતા ઘટી છે.નિષ્ણાતોના મતે, યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 15 ટકાથી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. હાલમાં સોનું 'સેફ હેવન' તરીકેનું આકર્ષણ ગુમાવીને શેરબજારની ચાલ સાથે તાલ મિલાવતું હોય તેવું જણાય છે.
