અકસ્માતમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત દીપડાને GEER ફાઉન્ડેશનની સારવારથી નવજીવન
Live TV
-
અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક માર્ગ અકસ્માતમાં કરોડરજ્જુમાં ગંભીર ઈજા અને પાછળના બંને પગમાં લકવો થયેલા દીપડાને GEER ફાઉન્ડેશનની વેટરનરી ટીમે મહિનાઓ સુધી સારવાર અને પુનર્વસન આપી ફરી હરતો-ફરતો કર્યો છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ટીમને સફળ બચાવ અને સારવાર બદલ અભિનંદન પાઠવ્યા હતા.19 જાન્યુઆરી, 2026ના રોજ ખેરંચા-ખોડંબા હાઈવે પર અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા દીપડાને વન વિભાગની રેસ્ક્યૂ ટીમે સુરક્ષિત રીતે બચાવી સારવાર માટે ખસેડ્યો હતો. ત્યારબાદ GEER ફાઉન્ડેશનની ટીમે અદ્યતન તપાસ અને વિશેષ પશુચિકિત્સા સારવાર શરૂ કરી હતી. તપાસમાં કરોડરજ્જુના L7-S1 વિસ્તારમાં ગંભીર ફ્રેક્ચર-સબલક્સેશન હોવાનું સામે આવ્યું હતું. સાથે જ જડબા અને મોઢામાં પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
દીપડાને ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે વિશેષ ટ્રીટમેન્ટ કેજમાં રાખી નિયંત્રિત હલનચલન, પોષણક્ષમ આહાર, સપ્લિમેન્ટેશન અને દૈનિક સારવાર આપવામાં આવી હતી. ત્રણ દિવસમાં તેણે જાતે ખોરાક અને પાણી લેવાનું શરૂ કર્યું હતું. આશરે 40મા દિવસે તે ચારેય પગ પર ઊભો રહી શક્યો હતો અને લગભગ બે મહિના બાદ ચાલવાનું શરૂ કર્યું હતું. અકસ્માતના આશરે અઢી મહિના બાદ તેણે કુદરતી ચાલ અને શરીરની મુદ્રા ફરી મેળવી હતી.
સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો થયો હોવા છતાં કરોડરજ્જુની ઈજાની કેટલીક અસરો યથાવત્ હોવાથી દીપડાને જંગલમાં મુક્ત નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. શિકાર, હલનચલન અને અન્ય જોખમોથી બચવાની તેની ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેને ઇન્દ્રોડા નેચર પાર્કમાં કુદરતી વાતાવરણને અનુરૂપ પરિસ્થિતિમાં રાખવામાં આવશે.GEER ફાઉન્ડેશનના નિયામક બી.પી. પતી (IFS)એ જણાવ્યું હતું કે સમયસર બચાવ, અદ્યતન નિદાન, વિશેષ વન્યજીવ સારવાર અને લાંબા ગાળાનું પુનર્વસન ગંભીર રીતે ઇજાગ્રસ્ત વન્યજીવોને જીવનની બીજી તક આપી શકે છે.GEER ફાઉન્ડેશન ઇન્દ્રોડા નેચર પાર્ક ખાતે અત્યાધુનિક વાઇલ્ડલાઇફ વેટરનરી હોસ્પિટલ પણ વિકસાવી રહ્યું છે. વર્ષ 2026માં તેની વેટરનરી ટીમે વન્યજીવોના બચાવ, તાત્કાલિક સારવાર અને પુનર્વસનના 10થી વધુ કિસ્સાઓમાં સફળ કામગીરી કરી છે.
