'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ 2025':115 સંસ્કૃતિના ઉપાસકોનું સન્માન
Live TV
-
ગાંધીનગર શહેરના સેક્ટર 12 ખાતે 'અતુલ્ય વારસો સંસ્થા' દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતની જાળવણી અને જનજાગૃતિના કાર્ય સાથે સંકળાયેલા 115 ઉપાસકોનું 'અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ'થી સન્માન કરવામાં આવ્યું હતું.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ 'અતુલ્ય વારસા'ની સમગ્ર ટીમને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, આ સમારોહ માત્ર એવોર્ડ આપવાનો કાર્યક્રમ નથી, પરંતુ 'આપણી અસ્મિતા, આપણી ઓળખ અને આપણા મૂળિયાંઓને ઉજાગર કરવાનો મહાયજ્ઞ' છે.તેમણે સંસ્કૃતિના સૈનિક તરીકે સેવા આપી રહેલા આ ઉપાસકોના કાર્યને બિરદાવતા કહ્યું કે, રાજ્ય સરકાર આવા શ્રેષ્ઠ કાર્ય માટે હંમેશા તેમની સાથે છે.તેમણે ટીમને ખાતરી આપી હતી કે, આ કામગીરીને વધુ ગતિ આપવા માટેના પ્લાનિંગ તૈયાર કરો, બજેટ માટે આ પ્રકારની કામગીરી ક્યારેય અટકશે નહીં.હર્ષ સંઘવીએ રાજ્યના જોવાલાયક અને ઐતિહાસિક સ્થળો પર સ્વચ્છતા જાળવણીના મુદ્દા પર ભાર મૂક્યો હતો.
તેમણે જણાવ્યું કે, સ્વચ્છતાની જવાબદારી માત્ર સફાઈકામદારોની જ નહીં, આપણા સૌની છે"કચરો ગમે ત્યાં ન ફેંકવાની એક સામાન્ય આદત પણ ખૂબ મોટો બદલાવ લાવી શકે તેમ છે. આ બદલાવ માટે આપણે એક પગલું આગળ વધો, સરકાર દસ પગલાં આગળ વધશે."નાયબ મુખ્યમંત્રીએ 'અતુલ્ય વારસા'ની ટીમને એક મહત્વની જવાબદારી સોંપતા કહ્યું હતું કે, સૌથી જૂનું કેલેન્ડર આપણું વિક્રમ સંવત છે.
ટીમે આગામી બેસતા વર્ષ સુધીમાં ગુજરાતભરમાં ઓછામાં ઓછા 10 હજાર લોકોને તૈયાર કરવાના છે.આ લોકો ગુજરાતના દરેક વ્યક્તિને વિક્રમ સંવતની ભવ્યતા, ઇતિહાસ તેમજ વિશેષતા ગર્વ સાથે સમજાવી શકે તે માટે પ્રયત્નશીલ રહેવું.આ પ્રસંગે પૂર્વ મુખ્ય સચિવ પી.કે.લહેરી, ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ ડૉ. હર્ષદ પટેલ, ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ, સવાણી હેરિટેજ કન્ઝર્વેશનના મેનેજિંગ ડાયરેક્ટર રામ સવાણી અને અતુલ્ય વારસો સંસ્થાના સ્થાપક કપિલ ઠાકર સહિત 115 સન્માનિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
