અદ્યતન અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફ આગળ વધતું અમદાવાદ: કરોડોના ખર્ચે વિવિધ પ્રોજેક્ટો પ્રગતિ હેઠળ
Live TV
-
અમદાવાદ શહેરમાં આધુનિક અને સુવ્યવસ્થિત શહેરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને વેગ આપવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટ, આઇકોનિક રોડ, મોડલ રોડ તથા ઇસ્ટ-વેસ્ટ કોરિડોર જેવા વિવિધ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યા છે.
શહેરના માર્ગો તેમજ જાહેર વિસ્તારોને આધુનિક સુવિધાઓ અને સૌંદર્યીકરણ સાથે વિકસાવવા માટે કરોડો રૂપિયાનું આયોજન કરી કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.શહેરમાં કુલ 10.60 કિલોમીટર લંબાઈમાં જુદા જુદા પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેના માટે ₹334.38 કરોડનું ટેન્ડર મંજૂર કરાયું છે. જેમાં મુખ્યત્વે:
મેટ્રો રૂટ પ્રિસિંક્ટ: થલતેજ ચાર રસ્તાથી હેલ્મેટ સર્કલ થઈ વિજય ચાર રસ્તા (3.40 કિમી)
સ્પોર્ટ્સ થીમ પ્રિસિંક્ટ: ચીમન ફ્લાયઓવર AEC ક્રોસ રોડથી મોટેરા થઈ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (4.20 કિમી)
એજ્યુકેશનલ પ્રિસિંક્ટ: વિજય ચાર રસ્તાથી જૂની પાસપોર્ટ ઓફિસ અને સેપ્ટથી કોમર્સ છ રસ્તા (1.70કિમી)
કનેક્ટિવિટી કોરિડોર: આશ્રમ રોડથી પશ્ચિમ રિવરફ્રન્ટના વિવિધ એન્ટ્રી પોઈન્ટ્સ (1.30 કિમી)
આ પ્રોજેક્ટ્સ અંતર્ગત વિશાળ ફૂટપાથ, સાયકલ ટ્રેક, ઓટો રિક્ષા સ્ટેન્ડ, લેન્ડસ્કેપિંગ, સ્પોર્ટ્સ સ્કલ્પચર્સ અને આર્ટ ઇન્સ્ટોલેશન જેવી સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, ₹99.90 કરોડના ખર્ચે 6.60 કિલોમીટર લંબાઈમાં 'લો ગાર્ડન પ્રિસિંક્ટ ડેવલોપમેન્ટ'નું કામ પણ હાલ પ્રગતિ હેઠળ છે.શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુગમ કરવા માટે પકવાનથી ઇસ્કોન જંકશન, વિસતથી તપોવન સર્કલ અને પાલડીથી વાડજ સુધીના આશ્રમ રોડ સહિત અંદાજે 18 કિલોમીટર લાંબા 6 માર્ગોને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનું કામ ચાલી રહ્યું છે. સાથે જ વધુ 6 કિલોમીટર લાંબા 2 આઇકોનિક રોડનું આયોજન છે, જેના માટે 405.23 કરોડ અને 79.78 કરોડના ટેન્ડર મંજૂર કરાયા છે. આ માર્ગો પર વોકિંગ-જોગિંગ ટ્રેક, ફાઉન્ટેન અને ગ્રીન બફર ઝોન બનાવવામાં આવશે.બીજી તરફ, કેસર વાટિકાથી રિંગ રોડ, સોનીની ચાલીથી ઓઢવ ફાયર સ્ટેશન અને ચાણક્યપુરીથી રન્નાપાર્ક સહિતના માર્ગોને 'મોડલ રોડ' તરીકે વિકસાવવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે.
