અમદાવાદથી પસાર થતી 11 ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ જોડાયા
Live TV
-
ગાંધીનગર, પોરબંદર, ભાવનગર, જામનગર, ગાંધીધામથી ઉપડતી ટ્રેનોના મુસાફરોને રાહત
પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદથી પસાર થતી ઉપડતી કુલ ૧૧ ટ્રેનોમાં કાયમી ધોરણે વધારાના કોચ જોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેને લઇને અમદાવાદથી વિવિધ સ્થળોએ જતા મુસાફરોને મોટી રાહત મળી જશે. આ ઉનાળા વેકેશનમાં થર્ડ એસી, સ્લીપર જેવા વધારાના કોચ જોડાવાના કારણે મુસાફરોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં ઓછી મુશ્કેલી પડશે.
ગાંધીનગર-ઇન્દોર-ગાંધીધામ એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી-ભાવનગર એક્સપ્રેસ, પોરબંદર-કોચુવેલી-પોરબંદર એક્સપ્રેસ, પોરબંદર-સંતરાગાંચી-પોરબંદર એક્સપ્રેસ, પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર એક્સપ્રેસ, પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર એક્સપ્રેસમાં ચાલુ માસથી જ વધારાના કોચ જોડી દેવામાં આવનાર છે.આ ઉપરાંત બાન્દ્રા-પાલીતાણા-બાન્દ્રા એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-જામનગર હમસફર એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-સહરસા જં.હમસફર એક્સપ્રેસ, બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી હમસફર એક્સપ્રેસ, ગાંધીધામ-તિરૃનવેલી હમસફર એક્સપ્રેસ ટ્રેનમાં પણ ચાલુ માસથી જ વધારાના કોચ કાયમી ધોરણે જોડી દેવાશે.
વેકેશન, તહેવારના સમયગાળા દરમિયાન જ નહીં પરંતુ ચાલુ દિવસોમાં પણ આ ટ્રેનોમાં મુસાફરોની ભીડ રહેતી હોય છે. કન્ફર્મ ટિકિટ માટે મુસાફરોએ લાંબા લચક વેઇટિંગ લિસ્ટની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તેમાંય નસીબ હોય તો કન્ફર્મ ટિકિટ મળે તેવી પ્રવર્તમાન સ્થિતિને જોતા મુસાફરો માટે મુસાફરી છેલ્લી ઘડી સુધી અનિચ્છિતતા રહેતી હોય છે. આ ટ્રેનોમાં વધારાના કોચ જોડવાની માંગણી હતી જે આખરે પશ્ચિમ રેલવે દ્વારા પુરી કરવામાં આવતા મુસાફરોમાં રાહત અને આનંદની લાગણી ફેલાઇ જવા પામી છે.
