અમદાવાદના રામોલ વિસ્તારમાં મહેમૂદપુરા પાસે ફટાકડા મેન્યુફેક્ચરિંગ પ્લોટમાં આગની દુર્ઘટના
Live TV
-
મેયર હિતેશ બારોટ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલે ઘટનાસ્થળની મુલાકાત લઈ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી
અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલા મહેમૂદપુરા ખાતે ફટાકડા ઉત્પાદન અને પ્રોસેસિંગ માટે ઉપયોગમાં લેવાતા ખુલ્લા પ્લોટ અને શેડમાં શુક્રવારે બપોરે ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટના અંગેની જાણ થતાં જ અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસિસની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. હાલમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો છે અને સ્થળ પર કૂલિંગની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ ઘટના રામોલ- ગત્રાડ રોડ પર મહેમૂદપુરા વિસ્તારમાં, ટેલેન્ટ સ્કૂલ સામે આવેલા ફટાકડા મેન્યુફેક્ચરિંગ અને પ્રોસેસિંગ પ્લોટ (ખુલ્લા પ્લોટ/શેડ) ખાતે બની હતી. આ ઘટનામાં રૅપિડ એક્શન ફોર્સ (RAF) નજીકના સ્થળ પર હોવાથી તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. આ ઘટનામાં કેટલાક મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા અને કેટલાક ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ ઘટનામાં બચાવ અને આગ બુઝાવવાની કામગીરી માટે ફાયર વિભાગ દ્વારા 1 મીની ફાઇટર, 2 વોટર બાઉઝર (20 KL ક્ષમતાવાળા), 2 બોલેરો રૅપિડ ઇન્ટરવેન્શન વ્હીકલ (RIV) તેમજ 1 એમ્બ્યુલન્સ સ્થળ પર તૈનાત કરવામાં આવી છે. આગને કાબૂમાં લેવા અને આસપાસના વિસ્તારમાં વધુ નુકસાન ન થાય તે માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર કામગીરીનું નેતૃત્વ ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસરોની હાજરીમાં કરવામાં આવ્યું હતું. ઘટનાસ્થળે 1 ચીફ ફાયર ઓફિસર, 2 એડિશનલ ચીફ ફાયર ઓફિસર, 1 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, 1 ડિવિઝનલ ફાયર ઓફિસર, 1 સ્ટેશન ફાયર ઓફિસર તથા 1 સબ ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહી બચાવ અને આગ નિયંત્રણની કામગીરીનું માર્ગદર્શન આપ્યું હતું.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ હાલ આગ સંપૂર્ણપણે કાબૂમાં છે અને સ્થળ પર કૂલિંગની કામગીરી ચાલુ છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી અને તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાના કારણો અને અન્ય વિગતો અંગે વધુ માહિતી જાહેર કરવામાં આવશે. પ્રાથમિક માહિતી મુજબ આ દુર્ઘટનામાં કેટલાક લોકોના મોત થયા હોવાની તેમજ કેટલાક લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની આશંકા છે. જોકે, મૃત્યુઆંક અને ઈજાગ્રસ્તોની સંખ્યા અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. બચાવ અને રાહત કામગીરી ચાલુ હોવાથી આંકડામાં ફેરફાર થઈ શકે છે.
આ ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર શ્રી હિતેશભાઈ બારોટ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, અમદાવાદના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી, પોલીસ વિભાગના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમજ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અને જરૂરી તમામ મદદ ઉપલબ્ધ કરાવવા સૂચના આપી હતી. સાથે જ આગ સંપૂર્ણપણે નિયંત્રણમાં આવે અને ઘટનાના કારણોની સઘન તપાસ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.
