વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં 50.24 લાખ ઘનફૂટનો વધારો: ટકાઉ જળ વ્યવસ્થાપન તરફ AMCનું મહત્વપૂર્ણ પગલું
Live TV
-
એક ટીપું પણ વરસાદનું બગડે નહીં: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ માટે દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 8 તળાવોનું પરસ્પર જોડાણ
અમદાવાદના મેયર હિતેશ બારોટ તથા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં વરસાદી પાણીના મહત્તમ સંગ્રહ, પાણીના બગાડને અટકાવવા તથા ટકાઉ જળ વ્યવસ્થાપનને વધુ મજબૂત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પહેલ હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) હેઠળ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા 8 તળાવોને પરસ્પર જોડવાની મહત્વાકાંક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઇન્ટરલિંકિંગ વ્યવસ્થા દ્વારા એક તળાવમાં તેની સંગ્રહ ક્ષમતા કરતાં વધુ વરસાદી પાણી એકત્ર થાય ત્યારે વધારાનું પાણી જોડાયેલા અન્ય તળાવોમાં પહોંચશે, જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ શક્ય બનશે અને પાણીના બગાડને અટકાવી ટકાઉ જળ વ્યવસ્થાપનને વધુ વેગ મળશે.
આ યોજના અંતર્ગત મુમતપુરા તળાવ (14.27 લાખ ઘનફૂટ), સંદેશ પુનિયા તળાવ (4.25 લાખ ઘનફૂટ), કાનાજીયુ-ઓકાફ તળાવ (16.70 લાખ ઘનફૂટ), બેદર તળાવ (5.30 લાખ ઘનફૂટ), મલકાણી તળાવ (2.00 લાખ ઘનફૂટ), શક્રી તળાવ (6.22 લાખ ઘનફૂટ), નવું તળાવ (1.00 લાખ ઘનફૂટ) તથા આઝાદનગર તળાવ (0.50 લાખ ઘનફૂટ)ને પરસ્પર જોડવામાં આવ્યા છે. આ ઇન્ટરલિંકિંગ વ્યવસ્થાના કારણે એક તળાવ તેની સંગ્રહ ક્ષમતા સુધી ભરાઈ જાય ત્યારબાદ તેમાં રહેલુ વધારાનું વરસાદી પાણી આપોઆપ અન્ય જોડાયેલા તળાવોમાં વહી જશે, જેના પરિણામે વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થશે, પાણીનો બગાડ અટકશે અને શહેરમાં જળ સંસાધનોના વધુ કાર્યક્ષમ સંચાલનને પ્રોત્સાહન મળશે.
આ ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટના અમલીકરણથી શહેરમાં વરસાદી પાણીના સંગ્રહમાં નોંધપાત્ર વધારો થયો છે. વર્ષ 2026 દરમિયાન અમદાવાદ શહેરમાં વરસાદી પાણી સંગ્રહ ક્ષમતામાં કુલ 50.24 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે, જે ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.
આ યોજના દ્વારા વરસાદી પાણીનો મહત્તમ ઉપયોગ થશે, ભૂગર્ભ જળસ્તર જાળવવામાં અને વધારવામાં મદદ મળશે તેમજ ભારે વરસાદ દરમિયાન પાણીનું વધુ અસરકારક સંચાલન શક્ય બનશે. સાથે જ શહેરી વિસ્તારોમાં જળ સંરક્ષણ અને પાણી સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં પણ આ પ્રોજેક્ટ મહત્વની ભૂમિકા ભજવશે.
શહેરી જળ વ્યવસ્થાપન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, શહેરના તળાવોને પરસ્પર જોડવાની આવી વ્યવસ્થા ભવિષ્યમાં પાણીની ઉપલબ્ધતા વધારવા માટે અત્યંત અસરકારક સાબિત થશે. છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ તળાવોના વિકાસ, ઊંડાણમાં વધારો, કેચમેન્ટ વિસ્તારના સુધારણા તથા વરસાદી પાણીના સંરક્ષણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે. આ નવી પહેલ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ અને દૂરંદેશી પગલું છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના કુદરતી જળસ્ત્રોતોના સંરક્ષણ, વરસાદી પાણીના મહત્તમ ઉપયોગ અને ભાવિ પેઢી માટે પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સતત પ્રતિબદ્ધ છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં હાથ ધરાયેલ આ તળાવોનું ઇન્ટરલિંકિંગ પ્રોજેક્ટ શહેરમાં ટકાઉ અને આધુનિક જળ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ બની રહેશે.
