પ્રાકૃતિક ખેતી એ હવે માત્ર કોઈ એક પ્રદેશની નહીં, પરંતુ ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણીય અસંતુલન સામે સમગ્ર વિશ્વની અનિવાર્ય જરૂરિયાત છે: રાજ્યપાલ
Live TV
-
લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ
ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા માટે ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કૃષિ મંત્રી જીતુભાઇ વાઘણી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ (ICAR) ના ડાયરેક્ટર જનરલ એમ. એલ. જાટ, લોકભવનના અગ્ર સચિવ અશોક શર્મા, કૃષિ યુનિવર્સિટીઓના કુલપતિઓ, ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિ, આઈ.સી. એ.આર તેમજ કૃષિ વિભાગ અને આત્માના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ દેશભરમાં ચાલી રહેલા રાષ્ટ્રીય પ્રાકૃતિક કૃષિ મિશનને સંસ્થાગત રીતે કેવી રીતે વ્યાપક બનાવી શકાય તેના પર ગહન વિચાર-વિમર્શ કરવામાં આવ્યું હતુ.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, ગ્લોબલ વોર્મિંગ, દૂષિત હવા-પાણી અને જમીનની ઘટતી જતી ફળદ્રુપતાના કારણે આજે પ્રાકૃતિક ખેતી એ માત્ર ભારતની નહીં પરંતુ સમગ્ર વિશ્વની અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. જો આઈ.સી.એ.આર.ના માધ્યમથી આ મિશન વધુ વૈજ્ઞાનિક ઢબે આગળ વધશે, તો દેશનો છેવાડાનો ખેડૂત પણ તેને સરળતાથી અપનાવી શકશે.
રાજ્યપાલએ જણાવ્યું કે તેઓ જ્યારે હિમાચલ પ્રદેશના રાજ્યપાલ હતા ત્યારે તેમણે બે વર્ષમાં 35,000 ખેડૂતોને પ્રાકૃતિક ખેતી સાથે જોડ્યા હતા, જ્યારે હાલની સ્થિતિએ તે સંખ્યા વધીને 2.5 લાખથી વધુ છે. પ્રાકૃતિક કૃષિનો એક જ ઉદ્દેશ્ય છે કે લોકો સ્વસ્થ રહે, ધરતી માતા બચે, પાણી અને પર્યાવરણનું રક્ષણ થાય તથા આપણી આવનારી પેઢીઓ સુરક્ષિત બને. રાજ્યપાલએ પ્રાકૃતિક કૃષિ માટેની ટ્રેનિંગ પર વધુમાં વધુ ધ્યાન આપવા પણ સૂચવ્યું હતું.
કૃષિ મંત્રી જીતુ વાઘણીએ આ મિશનનો વ્યાપ વધારવા અંગે માર્ગદર્શન આપ્યું હતું અને રાજ્ય સરકારના તમામ વિભાગોને સાથે મળી આ મિશનને વધુ વેગવંતુ બનાવવા તમામ તૈયારીઓ દર્શાવી હતી.
બેઠકમાં ICAR ના ડાયરેક્ટર જનરલએ જણાવ્યું કે જો પ્રાકૃતિક કૃષિના મિશનને વૈજ્ઞાનિક પુરાવાઓ સાથે જોડવામાં આવશે, તો તેનો વિસ્તાર અત્યંત ઝડપથી થશે. કૃષિ યુનિવર્સિટીઓએ ખેડૂતોની સફળતાની વાર્તાઓ, વિવિધ જમીનના પ્રકાર અને ક્રોપિંગ સિસ્ટમનું વૈજ્ઞાનિક દસ્તાવેજીકરણ કરવું પડશે, જેથી ખેડૂતોનો વિશ્વાસ વધશે. આ સાથે જ કૃષિ વિજ્ઞાન કેન્દ્રોને અપગ્રેડ કરવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જમીનના પોષક તત્વો અને સુક્ષ્મજીવો સીધા માનવ સ્વાસ્થ્ય સાથે જોડાયેલા છે. ખેતીમાં રાસાયણિક ખાતરોના વધુ રડતા ઉપયોગથી લોકોમાં બીમારીઓ વધી રહી છે, ત્યારે એગ્રીકલ્ચર અને હેલ્થ સાયન્સને જોડીને પ્રાકૃતિક અન્નની ગુણવત્તાનું ગહન સંશોધન કરવું અનિવાર્ય છે.
રાસાયણિક ખેતીથી જમીનની નીચે સબ-સોઇલ કૉમ્પેક્શન વધી ગયું છે, એટલે કે જમીન કડક થઇ રહી છે. જેથી મૂળ નીચે જઈ શકતા નથી. જેમ-જેમ નેચરલ કાર્બન વધે છે, તેમ બલ્ક ડેન્સિટી ઓછી થાય છે અને જમીન છિદ્રાળુ બને છે.
નોંધનીય છે કે, ગુજરાતમાં 8 લાખથી વધુ ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે જેના પરિણામે રાજ્યમાં હજારો મેટ્રિક ટન યુરિયા અને ડીએપી જેવા રાસાયણિક ખાતરોનો વપરાશ ઘટ્યો છે.
