અમદાવાદની મ્યુનિ. શાળાની ક્રાંતિ: 1.72 લાખ વિદ્યાર્થીઓ હવે બોલશે ફટાફટ અંગ્રેજી
Live TV
-
અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ હવે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જ નહીં, પણ શિક્ષણની ગુણવત્તામાં પણ ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ 'ઇંગ્લીશ ગુરુકુળ' સંસ્થા દ્વારા મ્યુનિ. શાળાઓમાં 'English Empowerment Project' શરૂ કરવામાં આવ્યો છે, જેનાથી 1.72 લાખથી વધુ વિદ્યાર્થીઓ હવે આંતરરાષ્ટ્રીય ભાષા અંગ્રેજીમાં નિપુણ બનશે.
અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા એક અભૂતપૂર્વ પહેલ કરવામાં આવી છે. શહેરની ૪૫૩ મ્યુનિસિપલ શાળાઓમાં અભ્યાસ કરતા અંદાજે ૧,૭૨,૫૭૬ વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય ભાષા તરીકે અંગ્રેજીમાં નિપુણ બનાવવા માટે 'ઇંગ્લીશ ગુરુકુળ' સંસ્થા સાથે મળીને વિશેષ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે.
પ્રોજેક્ટની મુખ્ય વિશેષતાઓ અને અમલીકરણ
આ પ્રોજેક્ટને આધુનિક ટેકનોલોજી અને એપ-આધારિત શિક્ષણ પદ્ધતિ સાથે સાંકળવામાં આવ્યો છે:તબક્કાવાર અમલીકરણ: શરૂઆતમાં ૫ ગુજરાતી અને ૫ અંગ્રેજી માધ્યમની શાળાઓમાં પાયલોટ પ્રોજેક્ટની સફળતા બાદ હવે તમામ ૩૫૩ શાળાઓમાં આ પ્રોજેક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
એપ્લિકેશન મોડ્યુલ: આ સમગ્ર પ્રોજેક્ટ 'ટીચર એપ્લિકેશન' અને 'વિદ્યાર્થી એપ્લિકેશન' એમ બે ભાગમાં વહેંચાયેલો છે.
શિક્ષણ પદ્ધતિ: વિદ્યાર્થીઓને વાર્તા આધારિત વિડિયોના માધ્યમથી અંગ્રેજી વાંચન, લેખન અને વાતચીતની સઘન પ્રેક્ટિસ કરાવવામાં આવે છે.
વ્યાપ: હાલમાં ૧,૧૨,૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ આ ઓનલાઇન એપ્લિકેશનની મદદથી અંગ્રેજીનું જ્ઞાન મેળવી રહ્યા છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળાઓમાં શિક્ષણનું સ્તર માત્ર સુધર્યું નથી, પરંતુ તે રાષ્ટ્રીય સરેરાશને પણ પાછળ છોડી રહ્યું છે. એક વિસ્તૃત સંશોધન અહેવાલ મુજબ, અમદાવાદની મ્યુનિ. શાળાઓમાં અભ્યાસ કરતા 92% વિદ્યાર્થીઓ આજે ડિજિટલ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં સક્ષમ છે, જ્યારે તેની સામે સરકારી શાળાઓમાં રાષ્ટ્રીય સરેરાશ માત્ર 65% જેટલી જ છે. આ નોંધપાત્ર તફાવત દર્શાવે છે કે શહેરની શાળાઓમાં ટેકનોલોજીનો ઉપયોગ પાયાના સ્તર સુધી પહોંચ્યો છે.
આ સફળતા પાછળનું મુખ્ય કારણ 'જી-શાળા' એપ અને ડેટા આધારિત વિશ્લેષણ છે, જેના પરિણામે વિદ્યાર્થીઓના ઓવરઓલ પર્ફોમન્સમાં 15% નો વધારો જોવા મળ્યો છે. અન્ય રાજ્યોની સરખામણીમાં અમદાવાદમાં શાળાઓનું નિયમિત મોનિટરિંગ કરવાની મજબૂત વ્યવસ્થા અમલમાં છે. આ સતત દેખરેખને કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં 10% અને શિક્ષણની ગુણવત્તામાં 15% નો જંગી ઉછાળો આવ્યો છે, જે અન્ય ઘણા રાજ્યોમાં જોવા મળતો નથી.
વધુમાં, મ્યુનિ. શાળાઓના 80% વિદ્યાર્થીઓ નિયમિતપણે રોબોટિક્સ લેબનો ઉપયોગ કરી રહ્યા છે. આ પ્રાયોગિક શિક્ષણનો જ પ્રભાવ છે કે પ્રાદેશિક અને રાષ્ટ્રીય કક્ષાની વિજ્ઞાન સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં 30% નો વધારો નોંધાયો છે. આમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ, ડિજિટલ સાક્ષરતા અને ગુણવત્તાલક્ષી શિક્ષણના માપદંડોમાં અમદાવાદની મ્યુનિ. શાળાઓ રાષ્ટ્રીય સ્તરે એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કરી રહી છે.
શિક્ષણનું આધુનિક માળખું અને પરિણામો
ફયૂચર ક્લાસ અને રોબોટિક્સ: કોર્પોરેશનના સહયોગથી પૂરા પાડવામાં આવેલા ફયૂચર ક્લાસ અને રોબોટિક્સ લેબને કારણે વિજ્ઞાન સ્પર્ધાઓમાં ભાગ લેનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૩૦% નો વધારો થયો છે.
ડેટા આધારિત વિશ્લેષણ: 'જી-શાળા' એપના માધ્યમથી થતા શિક્ષણને કારણે વિદ્યાર્થીઓના ઓવરઓલ પર્ફોમન્સમાં ૧૫% નો ઉછાળો આવ્યો છે.
ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો મહત્તમ ઉપયોગ: શાળાઓને બે પાળીમાં ચલાવીને સરકારી માળખાકીય સુવિધાઓનો શ્રેષ્ઠ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
વાલીઓનો સંતોષ: સંસ્થાના સર્વે મુજબ ૮૫% વિદ્યાર્થીઓ અને વાલીઓએ મ્યુનિ. શાળાઓની સફાઈ અને શિક્ષણના વાતાવરણ અંગે સંતોષ વ્યક્ત કર્યો છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા ટેકનોલોજી અને ગુણવત્તાલક્ષી શિક્ષણ પર આપવામાં આવતો આ ભાર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ (NEP) ના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની દિશામાં મહત્વનું કદમ છે. આ પ્રયાસોથી ગરીબ અને મધ્યમ વર્ગના ૧,૭૨,૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બની રહ્યું છે.
