Skip to main content
Settings Settings for Dark

અમદાવાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

Live TV

X
  • અમદાવાદ જિલ્લામાં 16મા રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે ગુજરાત યુનિવર્સિટીના અટલ કલામ બિલ્ડિંગ ખાતે જિલ્લા કક્ષાનો ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ કાર્યક્રમમાં લોકશાહીના પર્વની ગૌરવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

    પ્રજાસત્તાક દિનની આગોતરી શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા કલેક્ટરશ્રીએ જણાવ્યું કે વિશ્વના ઘણા દેશોમાં મહિલાઓને મતાધિકાર માટે લાંબા સમય સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો, જ્યારે ભારતના બંધારણે શરૂઆતથી જ તમામ નાગરિકોને સમાન મતાધિકાર આપ્યો છે. વિશ્વવ્યાપી અસ્થિરતા વચ્ચે ભારતની મજબૂત અને સ્થિર લોકશાહી પ્રણાલી દરેક નાગરિક માટે ગૌરવ સમાન હોવાનું તેમણે જણાવ્યું.

    યુવા પેઢીને સંબોધતા તેમણે ઉમેર્યું કે મતાધિકાર માત્ર હક્ક નથી, પરંતુ દેશના ભવિષ્યને આકાર આપવાની પવિત્ર ફરજ છે. માત્ર મતદાર તરીકે નામ નોંધાવવું પૂરતું નથી, પરંતુ કોઈપણ લોભ, લાલચ કે દબાણ વગર નિર્ભય બની મતદાન કરવું જોઈએ. જૂની પેઢીએ આ અધિકાર મેળવવા કરેલા સંઘર્ષને યાદ રાખી જવાબદાર મતદાર બનવાની તેમણે અપીલ કરી.

    “No Voter to be Left Behind” ના મંત્ર સાથે ચૂંટણી પંચ દ્વારા દિવ્યાંગ મતદારો સહિત તમામ માટે સુલભ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. ટેકનોલોજી અને પારદર્શિતાના વધતા ઉપયોગથી મતદાન પ્રત્યે વિશ્વાસ અને ભાગીદારીમાં વધારો નોંધાયો હોવાનું પણ તેમણે ઉમેર્યું હતુ.

    મતદાર યાદી વિશેષ સંક્ષિપ્ત સુધારણા (SIR) સહિતની કામગીરીમાં જોડાયેલા BLO અને અન્ય કર્મયોગીઓની સેવાઓની પ્રશંસા કરતા તેમણે સૌને રાષ્ટ્રહિતમાં નિર્ભય બની મતદાન કરવા અનુરોધ કર્યો.

    ગુજરાત યુનિવર્સિટીના લાઈબ્રેરિયન અને યુથ નોડલ ઓફિસર ડૉ. યોગેશ પારેખે જણાવ્યું કે રાષ્ટ્રીય મતદાતા દિવસ લોકશાહી પ્રત્યે જાગૃતિ વધારવાનો મહત્વપૂર્ણ અવસર છે. વર્ષ દરમિયાન યોજાતી લોકસભા, વિધાનસભા તથા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ તેમજ મતદાર યાદી સુધારણા જેવા કાર્યોમાં શિક્ષકો અને સરકારી કર્મચારીઓના યોગદાનની તેમણે સરાહના કરી.

    આ વર્ષની થીમ “મારું ભારત, મારો મત” અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે મતદાર યાદી સુધારણા અભિયાનમાં પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે લોકશાહીને મજબૂત બનાવવાના સંકલ્પ સાથે ઉપસ્થિત સૌએ મતદાર શપથ લીધી હતી.

    આ પ્રસંગે ધંધુકા મદદનીશ કલેક્ટર વિદ્યાસાગર, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર, જિલ્લા પુરવઠા અધિકારી દિન્તા કથીરીયા તથા જિલ્લા ચૂંટણી તંત્ર સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply