અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
Live TV
-
અષાઢી બીજે અમદાવાદના જમાલપુર સ્થિત ભગવાન જગન્નાથના મંદિરેથી જગતના નાથ એવા ખુદ ભગવાન જગન્નાથ શણગાર સાથે વાજતે-ગાજતે નગરચર્યાએ નીકળ્યા હતા. આ દરમિયાન ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. ભગવાન જગદીશની સાથે તેમના બહેન સુભદ્રાજી અને તેમના ભાઈ બલભદ્ર સાથે નીકળેલી 147મી રથયાત્રામાં ભક્તોના ઘોડાપુર ઉમટ્યું હતું.
આસ્થા, શ્રદ્ધા, ઉમંગ, ઉલ્લાસ અને કોમી એકતાના માહોલમાં શહેરમાં નીકળેલી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા રંગે ચંગે અને સુખરૂપ સંપન્ન થઈ હતી. ગઈકાલે રાત્રે 9.10 વાગ્યે ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને બલભદ્રજીના રથ નિજ મંદિરે પહોંચ્યા હતા અને રથયાત્રા આયોજકો સહિત સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે વહેલી સવારે ભગવાન જગન્નાથની આરતી કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરીને ત્રણેય રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ખલાસીઓ સાથે મળી ભગવાનનો રથ ખેંચી 147મી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું.
