અમદાવાદમાં રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરાઈ
Live TV
-
ભારતમાં કેન્સરના નિદાન અને સારવારના મહત્વ વિશે જનજાગૃતિ વધારવા માટે 2014થી દર વર્ષે 7મી નવેમ્બરે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ ઉજવવામાં આવે છે.
કેન્સર જાગૃતિ દિવસ અંતર્ગત અમદાવાદમાં ધી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા 'શક્તિ, આશા અને જીત - કૅન્સર વિજેતાઓને સલામ' થીમ પર રાષ્ટ્રીય કૅન્સર જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્ર્મને સંબોધતા જીસીઆરઆઈના ડિરેક્ટર ડૉ. શશાંક પંડ્યાએ કહ્યું કે, ભારતમાં કેન્સરના જોવા મળતા દર્દીઓમાં પુરુષોમાં ફેફસા, પેટ અને મોઢાના કેન્સરનું પ્રમાણ જ્યારે સ્ત્રીઓમાં સ્તન, ગર્ભાશયના મુખ અને મોઢાના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. આ બધા જ કેન્સરમાં જો શરૂઆતથી નિદાન કરવામાં આવે તો તેનો ફાયદો દર્દીને જરૂર મળતો હોય છે.
આ પ્રસંગે અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશ મકવાણાએ કહ્યું કે, આજે મારા જીવનમાં પહેલો એવો આ અવસર છે જ્યાં હું એક સાથે આટલા બધા કેન્સર વિજેતા દર્દીઓને જોઈ રહ્યો છું. 10 થી 15 વર્ષ કરતાં વધુ કેન્સરના સર્વાયલ દર્દીઓ તેમજ કેન્સરને માતા આપી ચૂકેલા દર્દીઓને એક સાથે એક મંચ ઉપર લાવવા એક સહરાનીય પહેલ ધી ગુજરાત કૅન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ દ્વારા કરવામાં આવી છે.
આ અવસરે દરેક કૅન્સર વિજેતાઓને તેમના સાહસ માટે એક મોમેન્ટો આપવામાં આવ્યું અને કાર્યક્રમના અંતે બધાએ મળીને આકાશમાં બલૂનો છોડીને કૅન્સર વિરુદ્ધ લડાઈ માટે જાગૃતિ અને એકતાનો સંદેશ ફેલાવ્યો હતો. આ ખાસ દિવસે કૅન્સર વિજેતાઓની શક્તિ અને એકતાનું ઉદાહરણ જોવા મળ્યું અને આશા, હિંમત, અને સમાજમાં જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો.
