અમદાવાદમાં 9થી 14 નવેમ્બર દરમિયાન 'પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ' મેળો યોજાશે
Live TV
-
'જનજાતિય ગૌરવ દિવસ' નિમિત્તે અમદાવાદના વસ્ત્રાપુર હાટ ખાતે આવતીકાલથી 'પરંપરાગત આદિવાસી વનૌષધિય પ્રદર્શન – વેચાણ' મેળો યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ મેળાનું ઉદઘાટન કરશે. આદિજાતિ વિકાસ મંત્રી ડૉ.કુબેર ડીંડોર તેમજ રાજ્યમંત્રી કુંવરજી હળપતિ પણ રહેશે ઉપસ્થિત. આ મેળાની નાગરિકો સવારે 10થી રાત્રિના 9 વાગ્યા સુધી મુલાકાત લઇ શકશે.
ડાંગની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા 10 જેટલા રોગ નિવારણ માટે અંદાજે 133 જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો આપશે સારવાર. મહત્વનું છે કે આદિવાસીઓના મહાનાયક, ક્રાંતિકારી લડવૈયા અને સમગ્ર આદિવાસી સમાજના મસીહા- ભગવાન તરીકે ઓળખાતા બિરસા મુંડાની 15 નવેમ્બરના રોજ 150મી જન્મજયંતી ઉજવવામાં આવનાર છે. જેને દેશભરમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
આદિજાતિ વિકાસ વિભાગ અને આદિવાસી સંશોધન - તાલીમ સોસાયટી દ્વારા આયોજિત આ મેળામાં વલસાડ, ડાંગ, નવસારી, અરવલ્લી, સાબરકાંઠા અને દાહોદ જિલ્લાના અંદાજે 133 જેટલા પ્રખ્યાત આદિવાસી વૈદુભગતો દ્વારા આધુનિક અને હઠીલા રોગોનું પરંપરાગત ઔષધિય જ્ઞાનથી ઉપચાર, મસાજ અને સ્ટીમ બાથ ઉપચાર, ડાંગના જંગલોની અમૂલ્ય જડીબુટ્ટીઓ દ્વારા રોગ નિવારણ કરવામાં આવશે. આ આદિવાસી વૈદુભગતો દ્વારા વિવિધ રોગ જેમ કે સાંધાના રોગ, ચામડી, પાચનતંત્ર, લકવા -પેરાલીસીસ, માથાનો દુઃખાવો, અનિંદ્રા, સ્થુળતા, એસીડિટી, પથરી, પ્રોસ્ટેટ જેવા રોગોનો ઉપચાર અને સારવાર પણ આ મેળામાં કરવામાં આવશે. આ ઉપરાંત જડીબુટ્ટી દ્વારા ઉપચારનો લાઈવ ડેમોસ્ટ્રેશન નાગરિકો જોઈએ શકશે.
આગામી 6 દિવસ સુધી યોજાનારા આ મેળામાં અંદાજે 100 જેટલા સ્ટોલ શરૂ કરવામાં આવશે જેમાં ગૌણ વન પેદાશો, ઓર્ગેનિક ખાદ્યચીજો, નાગલી બનાવટો, શુદ્ધ મધ, જડીબુટ્ટીઓ-ઔષધિઓનું વેચાણ કરાશે.
