અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026: જાણો ‘સ્ત્રી સશક્તીકરણ’ થીમના સ્કલ્પ્ચરની વિશેષતાઓ
Live TV
-
અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026ના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘સ્ત્રી સશક્તીકરણ’ની થીમ પર તૈયાર કરાયેલા વિશિષ્ટ શિલ્પનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું. આ શિલ્પ સમાજમાં સ્ત્રીઓની ભૂમિકા, તેમની સહનશક્તિ અને સામૂહિક બળને ઉજાગર કરતું પ્રતીકાત્મક સર્જન છે.
‘ધ સમિટ ઑફ વિમેન્સ વોઈસીસ’ નામથી ઓળખાતું આ શિલ્પ 15 ફૂટ ઊંચું સ્ટીલ પિરામિડ છે, જે મહિલાઓની સહનશક્તિ અને સામૂહિક શક્તિનું શક્તિશાળી પ્રતીક છે. આ શિલ્પમાં ચાર ખુલ્લા પ્રવેશદ્વારો દર્શાવવામાં આવ્યા છે, જે મહિલાઓનાં જીવનમાં લેતા વિવિધ વળાંકો અને અનુભવોનું પ્રતિનિધિત્વ કરે છે. જે તમામ એક જ શિખર પર એકરૂપ થાય છે, જે વૈવિધ્ય વચ્ચેની એકતાનું પ્રતિબિંબ રજૂ કરે છે.
આ પિરામિડની રચના લેઝરકટ સ્ટેનલેસ સ્ટીલમાંથી કરવામાં આવી છે, જેમાં વિવિધ ભાષાઓમાં ‘Mother’, ‘Leader’, ‘Creator’ અને ‘Survivor’ જેવા શબ્દોનો સમાવેશ કરાયો છે. જે મહિલાઓ દ્વારા આજીવન ભજવાતી વિવિધ ભૂમિકાઓને પ્રતિબિંબિત કરે છે.
આ શિલ્પના કેન્દ્રસ્થાને 108 ‘હેંગિંગ કાર્ડ્સ’ મૂકવામાં આવ્યા છે, જેમાં દરેક કાર્ડ પર વિશ્વભરની મહિલાઓની કહાની, તસવીર અને ઉક્તિ સમાવાઈ છે. વિવિધ વ્યવસાયો, સંસ્કૃતિઓ અને સંઘર્ષોમાંથી પસાર થતી મહિલાઓની મુલાકાતો પરથી એકત્રિત થયેલી આ કથાઓ વર્તમાન સમયમાં મહિલાઓના જીવન ઘડતરની પ્રેરણાદાયી અને અજાણી વાસ્તવિકતાઓને ઉજાગર કરે છે.
આ કાર્ડ્સને મૌલીના દોરાથી લટકાવવામાં આવ્યા છે, જેના પરનું લખાણ માત્ર વાંચવા પૂરતું નહીં, પરંતુ વિચારી, અનુભવી અને સાક્ષી બનવા માટે પ્રોત્સાહિત કરશે.
આ કાર્ડ્સમાં ડૉ. અમિના ડાયાલ્લો, બાળરોગ નિષ્ણાત (સેનેગલ) જેવી વ્યાવસાયિક મહિલાઓથી લઈને રેખાબેન વાઘેલા, ગૃહિણી અને માતા (ગુજરાત) સહિતનાં પ્રેરણાદાયી મહિલાઓના અનુભવો પણ સમાવાયા છે, જે સ્ત્રી જીવનના વિવિધ આયામોને સ્પર્શે છે.
