અમદાવાદ કમિશનરે વર્ષ 2024-25નું 10,801 કરોડ રૂ.નું અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું
Live TV
-
અમદાવાદ મહાનગર પાલિકાના કમિશનર એમ. થેન્નરસાને આજે વર્ષ 2024-25નું રૂપિયા 10,801 કરોડનું ડ્રાફ્ટ અંદાજપત્ર સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું. આ અંદાજપત્રમાં મુખ્ય પાંચ મુદ્દાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે. જેમાં વિકસિત અમદાવાદ 2047 નેટ ઝીરો અને કાર્બન ન્યુટ્રલ, રેઝિલિયન્ટ અને સસ્ટેનેબલ જીરો વેસ્ટ અને સર્ક્યુલર ઇકોનોમી, લિવેબલ અને હેપ્પી સીટી અમદાવાદ બનાવવાની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષના બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તથા નાગરિક સુવિધાઓ પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વધારાના કરવેરા નાખવામાં આવ્યા નથી. જેથી રેવન્યુ ખર્ચમાં ઘટાડો થશે. પરંતુ, કોમર્શિયલ મિલકતના વેચાણના કારણે રેવન્યુ સરપ્લસ 2,350 કરોડની થશે જેને વિકાસના કામો માટે વાપરવામાં આવશે.
વિકાસના કામો માટે ગત વર્ષની સરખામણીએ 22% વધુ રૂપિયા સાથે 5,501 કરોડની ફાળવણી કરવામાં આવી છે. અમદાવાદ શહેરની અંદર પાંચ નવા આઈકોનિક રોડ, 11 નવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર્સ, 18 તળાવનું બ્યુટીફિકેશન, 25 કન્ઝર્વેશન બિઝનેસ સેન્ટર, તથા આવાસ યોજના અંતર્ગત, 10,000 ઘરો બનાવવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, જેન્ડર ઇક્વલ બજેટ અંતર્ગત શહેરમાં વર્કિંગ વુમન હોસ્ટેલ તથા સાત નવા વુમન જીમ્નેશિયમ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત, મહિલાઓ આત્મનિર્ભર થાય તે હેતુથી તેમને 100 ઈ-રીક્ષા આપવામાં આવશે.
