અમદાવાદ ખાતે ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રીએ આપી હાજરી, નવયુગલોને નવજીવનની આપી શુભેચ્છા
Live TV
-
અમદાવાદ જિલ્લાનાં દસક્રોઈ તાલુકાના ભુવાલડી ખાતે યોજાયેલા ઠાકોર સમાજના સમૂહ લગ્નોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવયુગલોને આશીર્વચન આપવા વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઠાકોર સમાજનાં 51 નવયુગલોને દાંપત્ય જીવનની શુભેચ્છા અને આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે, સમૂહ લગ્નનું આયોજન એક હકારાત્મક સામાજિક અભિયાન છે. આવા આયોજનને પગલે સમાજ વ્યવસ્થાને એક નવી દિશા મળશે જ પરંતુ સાથે-સાથે બિનજરૂરી થતા ખર્ચાઓ પણ અટકાવી શકાશે.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી ગુજરાત સરકાર દરેક સમાજને સાથે રાખી આગળ વધી રહ્યું છે. સૌનો સાથ, સૌનો વિશ્વાસ, સૌનો પ્રયાસ થકી દરેક સમાજ વિકાસના મુખ્ય પ્રવાહથી આવરી લેવાય તે સરકારની નેમ છે. તેમણે સમૂહ લગ્નના આયોજક જે.કે. ગૃપ તથા સમાજના આગેવાનો, દાતાઓ તેમજ આયોજન સમિતિના આગેવાનોને સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવા માટે અભિનંદન આપ્યા હતાં.
નવસારીના સાંસદ અને ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે તમામ દંપતિઓને આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે, વર્ષો પહેલા શરૂ થયેલી સમૂહ લગ્નોત્સવની આ પ્રથામાં આજે દરેક સમાજ આ દિશામાં આગળ વધી રહ્યો છે તે આનંદની વાત છે. આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ પણ ઉપસ્થિત રહ્યાં હતા અને નવયુગલોને આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે જે.કે. ગૃપના જનકભાઈ તથા કુંજનસિંહ ઠાકોર અને સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીનું પાઘડી, ગુલાબનાં હાર તથા તલવાર આપીને ભવ્ય સન્માન કર્યું હતું.
આ સમૂહ લગ્નોત્સવમાં માતા-પિતા વિનાની દીકરીને રૂ.1 લાખના બોન્ડ તથા પ્રત્યેક નવયુગલોને ચાંદીની પાયલ, ફ્રીઝ, ઘરઘંટી, તિજોરી, પેટી પલંગ જેવી ઘરવખરીની 127 ભેટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી પ્રદીપભાઈ પરમાર તથા અર્જુનસિંહ ચૌહાણ, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ સહિતના મહાનુભાવો તથા મોટી સંખ્યામાં ઠાકોર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
