અમદાવાદ મહાનગરપાલિકાના રૂ.168.73 કરોડના કામોને મુખ્યમંત્રીની સૈદ્ધાંતિક મંજૂરી
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકામાં પીવાના પાણીના વિતરણ કામો માટે કુલ 168.73 કરોડ રૂપિયાના કામોને આજે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. અમદાવાદ મહાનગરપાલિકાએ નલ સે જલ કાર્યક્રમને અનુલક્ષીને પીવાના પાણીના વિતરણ કામો માટે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કમ્પાઉન્ડમાં ઓગમેન્ટેશન કરીને નવા કામો હાથ ધરવાનું આયોજન કર્યુ છે.
આ હેતુસર મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદ મહાનગરપાલિકાએ ગુજરાત શહેરી વિકાસ મિશન મારફતે દરખાસ્ત રજુ કરી હતી. તદ્દઅનુસાર, 200 મિલીયન લીટર પ્રતિદિન ક્ષમતાનો નવો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોટર પમ્પ હાઉસ સાથે બનાવવાની કામગીરી માટે અંદાજે 85.64 કરોડ રૂપિયાના કામો હાથ ધરાવાના છે.
આ ઉપરાંત, જાસપૂર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી સરદાર પટેલ રીંગરોડ-વૈષ્ણોદેવી સર્કલ સુધી 2500 મી.મી.વ્યાસની એમ.એસ. કલીયર વોટર પાઇપ લાઇન નાંખવાની કામગીરી પણ રૂ. 83.09 કરોડના અંદાજીત ખર્ચે થવાની છે. હાલ જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટના કમાન્ડ વિસ્તારમાં નવા બનતા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશન્સ તથા તાજેતરમાં કોર્પોરેશનમાં સમાવિષ્ટ બોપલ-ઘુમા વિસ્તારનો સમાવેશ થાય છે.
બોપલમાં ઔડા દ્વારા પાણી પૂરવઠાનું માળખું વિકસીત કરવાની કામગીરી ચાલી રહી છે અને ઘુમા વિસ્તારમાં આ પ્રકારની કામગીરીનું તાજેતરમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ ખાતમૂર્હત કરેલું છે. આ નવા સમાવિષ્ટ વિસ્તારોની પાણીની જરૂરિયાત ધ્યાને લઇને સમગ્ર જાસપૂર વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી કમાન્ડ વિસ્તારમાં ભવિષ્યમાં પાણી પુરૂં પાડવાનું અમદાવાદ મહાનગરપાલિકાનું આયોજન છે.
જાસપૂર ખાતેના હાલ કાર્યરત 400 એમ.એલ.ડી ક્ષમતાના વોટર ટ્રિટમેન્ટ પ્લાન્ટથી ઉત્તર પશ્ચિમ ઝોન, દક્ષિણ પશ્વિમ ઝોન તેમજ પશ્ચિમ ઝોનના ચાંદખેડા, મોટેરા અને સાબરમતી વિસ્તારમાં આવેલા વોટર ડિસ્ટ્રીબ્યૂશન સ્ટેશનમાં પાણી પૂરવઠો પૂરો પાડવામાં આવે છે. આ વિસ્તારો ઉપરાંત, બોપલ-ઘુમા નગરપાલિકા અને મણિપૂર-ગોધાવી વિસ્તાર તથા અમદાવાદ મહાનગરપાલિકા સિવાયના આર.એ.એચ વિસ્તાર સહિતની હાલની વસ્તીને બેઝ ઇયર ગણી આગામી વર્ષ 2045 ની અંદાજીત વસ્તીની આશરે 10,227 એમ.એલ.ડી પાણી જરૂરિયાત ધ્યાનમાં રાખીને આ સમગ્ર આયોજન મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બધી જ બાબતોની મહત્વતા જોતાં અને અમદાવાદ મહાનગરના આ વિસ્તારના નાગરિકોને પૂરતું પાણી મળી રહે તેવા ઉદાત્ત જનહિત અભિગમથી આ યોજનાના કામો માટે કુલ 168.73 કરોડ રૂપિયા સૈદ્ધાંતિક રીતે મંજૂર કર્યા છે.
