અમદાવાદ : રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વસ્ત્રાપુર ખાતેથી વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું
Live TV
-
કેન્દ્ર સરકાર દ્વારા જનજન સુધી લોકકલ્યાણકારી યોજનાઓનો વ્યાપ વધારવા, લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડવા અને વિવિધ યોજનાઓની જાગૃતિ ફેલાવવાના ધ્યેય સાથે 'વિકસિત ભારત સંકલ્પ યાત્રા'નું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર ખાતેથી આજે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે અમદાવાદ શહેરનાં મેયર પ્રતિભા જૈન પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ રથ પ્રસ્થાન કાર્યક્રમ પ્રસંગે સહકાર અને ગ્રામોદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, આખો દેશ જ્યારે દિવાળીની રજાઓ મનાવી રહ્યો હતો ત્યારે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગરીબ, વંચિત, છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓ થકી વિકાસને પહોંચાડવાના સંકલ્પ સાથે 'સરકાર તમારે દ્વાર' સૂત્ર સાથે ઝારખંડથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો. એ જ રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રત્યેક નાગરિક સુધી જનકલ્યાણકારી યોજનાઓ પહોંચાડવાના ઉમદા ઉદ્દેશ સાથે અંબાજીથી રાજ્યની સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
યોજનાઓ વિશે વધુમાં વાત કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, લોકલ ફોર વોકલના મંત્ર સાથે 18 પ્રકારના આર્ટીઝન - કારીગરોને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે પીએમ વિશ્વકર્મા યોજના શરૂ કરવામાં આવી છે. દેશની બહેનો માતાઓને ચુલાના ધુમાડા અને તેના આંસુઓથી મુક્તિ આપવાના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવેલી ઉજજ્વલા યોજના અંતર્ગત 38 લાખથી વધુ ગેસ જોડાણો પૂરાં પાડવામાં આવ્યાં છે. દેશમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યોગોના વિકાસ માટે પીએમ મુદ્રા યોજના, સ્ટાર્ટઅપ ઇન્ડિયા યોજના જેવી યોજનાઓ શરૂ કરવામાં આવી. જેમાં 1.3 કરોડથી વધુ મુદ્રા લોનમાંથી 62% લોન મહિલાઓને આપવામાં આવી.
આ કાર્યક્રમમાં ઈ-શ્રમ કાર્ડ, PMJAY, પીએમ સ્વનિધિ સહિત વિવિધ યોજનાઓના લાભાર્થીઓને કાર્ડ વિતરણ કરવામાં આવ્યાં હતાં. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે પ્રધાનમંત્રીનો સંદેશ, સંકલ્પ વિડિયો, વિકાસ યાત્રાની ફિલ્મ સહિત વિવિધ યોજનાઓની ફિલ્મનું પણ આ પ્રસંગે નિદર્શન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિદ્યાર્થીઓ આ પ્રસંગે સ્વચ્છતા ગીત રજૂ કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત સૌને વિકસિત ભારત સંકલ્પ શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. યોજનાઓના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો પણ આ પ્રસંગે વ્યક્ત કર્યા હતા.
