અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના
Live TV
-
અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થતાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ.અન્ય છ લોકો સારવાર હેઠળ.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રશિયાથી ફૉન પર ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે આપી સૂચના-તપાસના આદેશ-કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પણ વ્યક્ત કરી ચિંતા.
અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં પાણીની ટાંકી ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. શહેરના બોપલ વિસ્તારમાં તેજસ સ્કૂલ પાસે આવેલ સંસ્કૃતિ ફલેટ પાસે આ બનાવ બન્યો છે. પાણીની ઓવર હેડ ટાંકી ધરાશયી થતાં ત્રણ લોકોના મોત નિપજ્યાં છે. જ્યારે 6 થી 8 લોકો દબાયા હોવાની આશંકા છે. ઓવર હેડ પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા દબાયેલા લોકોને બહાર કાઢવાની અને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બહાર કઢાયેલા તમામ ઇજાગ્રસ્તોને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ દરમ્યાન રશિયાના પ્રવાસે ગયેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બોપલની ઘટનાની જાણ થતાં જિલ્લા કલેકટર સાથે ટેલીફોનિક વાત કરી હતી. અને દુર્ઘટના અંગેની વિગતો મેળવી હતી. તેમજ આ ઘટના અંગે તપાસના આદેશો આપી ઈજાગ્રસ્તોને યોગ્ય સારવાર મળે તે માટે સૂચના આપી હતી. આ દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે પણ આ ઘટના જિલ્લા કલેકટર સાથે ટેલિફોનીક વાત કરી યોગ્ય તપાસ અને ઈજાગ્રસ્તોને તમામ સહાય પૂરી પાડવા જણાવ્યું હતું.
