Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સિવિલમાં 241મું ગુપ્ત અંગદાન: ઉત્તર ગુજરાતની બ્રેઇનડેડ મહિલાના અંગોથી 3 દર્દીને મળ્યું નવું જીવનદાન

Live TV

X
  • સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, "કહેવાય છે કે ‘ગુપ્તદાન’ એ સૌથી મોટું દાન છે, અને જ્યારે આ દાન કોઈની જિંદગી બચાવવા માટે થાય ત્યારે તે ઈશ્વરીય કાર્ય બની જાય છે.

    " અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવો જ એક હૃદયસ્પર્શી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ઉત્તર ગુજરાતના એક પરિવારે પોતાની વ્હાલસોયી દીકરીના મૃત્યુના દુઃખદ સમયે પણ ‘ગુપ્તદાન’ સ્વરૂપે અંગદાન કરવાનો સાહસિક અને માનવતાવાદી નિર્ણય લીધો છે. આ ઉમદા નિર્ણયના પગલે હોસ્પિટલમાં કુલ અંગદાનનો આંકડો 241 પર પહોંચી ગયો છે.

    વધુ વિગતો આપતાં ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતના રહેવાસી એક 31 વર્ષીય મહિલા સિવિલ હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ હતાં. તબીબોના અથાગ પ્રયત્નો છતાં ગત તા. 27 મે 2026 ના રોજ તેમને 'બ્રેઈનડેડ' જાહેર કરવામાં આવ્યા હતાં. યુવાન વયે સ્વજન ગુમાવવાનું આઘાતજનક દુઃખ હોવા છતાં, હોસ્પિટલની કાઉન્સિલિંગ ટીમના ડૉ. જીનેન પંડ્યા અને ડૉ. ભાવેશ પ્રજાપતિની સમજાવટથી પરિવારે મોટું દિલ રાખ્યું હતું. પરિવારે પોતાની ઓળખ છૂપી રાખવાની શરતે, ગુપ્તદાન સ્વરૂપે અંગદાનની મંજૂરી આપીને સમાજ સામે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે.આ અંગદાન દ્વારા બ્રેઈનડેડ મહિલાના શરીરમાંથી એક લીવર અને બે કિડની મળી કુલ 03 મહત્વપૂર્ણ અંગો મેળવવામાં આવ્યા છે. આ ત્રણેય અંગોને સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત કિડની હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા છે, જ્યાં કિડની અને લીવરની ગંભીર બીમારીથી પીડાતા અને લાંબા સમયથી પ્રત્યારોપણની રાહ જોતા ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓમાં તેનું પ્રત્યારોપણ કરવામાં આવશે.ડૉ. રાકેશ જોષીના જણાવ્યા અનુસાર, અમદાવાદ સિવિલ હોસ્પિટલ આજે પશ્ચિમ ભારતનું અંગદાનનું એક મોટું કેન્દ્ર બની ચૂકી છે. હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ 241 અંગદાતાઓ થકી  797 અંગો તેમજ કુલ 238 પેશીઓ મેળવવામાં આવી છે, જેમાં 194 ચક્ષુ અને 44 ચામડીનો સમાવેશ થાય છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલને અત્યાર સુધીમાં કુલ 1035  અંગો તેમજ પેશીઓનું દાન મેળવવામાં ઐતિહાસિક સફળતા મળી છે.

    સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં પ્રાપ્ત થયેલા અંગોની વિગતવાર માહિતી આપતા તેમણે ઉમેર્યું કે, હોસ્પિટલને દાન સ્વરૂપે 445 કિડની, 215 લીવર, 76 હૃદય, 34 ફેફસાં, 19સ્વાદુપિંડ, 06 હાથ, 02 નાનાં આંતરડાં, 194 ચક્ષુ તેમજ 44 ચામડી મળ્યાં છે.ડૉ. રાકેશ જોષીએ ભાવુક હૃદયે જણાવ્યું હતું કે, અંગદાન એ મહાદાન છે. સિવિલ હોસ્પિટલની ટીમ અને અંગદાતાઓના પરિવારોના સહયોગથી આજે આપણે 1035 અંગો-પેશીઓ મેળવીને સેંકડો પીડિત દર્દીઓનાં જીવનમાં ઉજાસ પાથરી શક્યા છીએ. આ ઉમદા કાર્ય બદલ અમે તમામ દાતા પરિવારોના સદાય ઋણી રહીશું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 31-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-06-2026 Max Temp : °C Min Temp : °C
apply