અમરેલી: 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ નવજાત શિશુઓ માટે બની આશાનું કિરણ
Live TV
-
માતાના ખોળામાં આવેલા નવજાત શિશુ માટે જન્મ પછીની પ્રથમ કેટલીક ક્ષણો અને દિવસો અત્યંત સંવેદનશીલ હોય છે.આ સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારની તબીબી જટિલતા સર્જાય તો સમયસર સારવાર જ તેના જીવન માટે સૌથી મોટો આધાર બની રહે છે.
ગુજરાત સરકાર દ્વારા કાર્યરત અને ઇએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસિસ સંચાલિત 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ આજે અમરેલી જિલ્લામાં એવા જ અનેક પરિવારો માટે આશાનું કિરણ બની રહી છે.તા. 9 જુલાઈ, 2026 ના રોજ સાવરકુંડલાની લલ્લુ શેઠ આરોગ્ય મંદિર હોસ્પિટલમાં જન્મેલા એક દિવસના નવજાત શિશુની તબિયત અચાનક બગડી હતી. બાળકને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ જણાતા તેને વધુ સારવાર માટે અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સાવરકુંડલા ખાતે કાર્યરત 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી અને ઓક્સિજન સપોર્ટ સાથે વિશેષ ટ્રાન્સપોર્ટ ઇન્ક્યુબેટરમાં બાળકને સતત તબીબી દેખરેખ હેઠળ સુરક્ષિત રીતે અમરેલી સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યું હતું.આ ઘટના પહેલાં પણ તા. 7 જુલાઈ, 2026ના રોજ માત્ર બે દિવસના એક નવજાત શિશુને ખેંચ આવતી હતી તેમજ શ્વાસ લેવામાં તકલીફ અનુભવાતી હતી. બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને પણ સાવરકુંડલાથી અમરેલી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. નિયોનેટલ એમ્બ્યુલન્સમાં ઉપલબ્ધ અત્યાધુનિક સાધનો અને તાલીમબદ્ધ મેડિકલ સ્ટાફની સજ્જતાના કારણે બાળકને મુસાફરી દરમિયાન જરૂરી સારવાર મળી રહી હતી અને તેને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવામાં સફળતા મળી હતી.
અમરેલી જિલ્લામાં સાવરકુંડલા ખાતે નવજાત શિશુઓ માટે વિશેષ નિયોનેટલ 108 એમ્બ્યુલન્સ ચોવીસ કલાક કાર્યરત છે. જન્મથી 28 દિવસ સુધીના નવજાત શિશુઓને જો કોઈ ગંભીર તબીબી તકલીફ સર્જાય તો તેમને નજીકની અથવા ઉચ્ચ કક્ષાની હોસ્પિટલ સુધી સલામત રીતે પહોંચાડવાની મહત્વપૂર્ણ જવાબદારી આ વિશેષ એમ્બ્યુલન્સ નિભાવે છે.આ નિયોનેટલ એમ્બ્યુલન્સમાં નવજાત શિશુ માટે જરૂરી તમામ આધુનિક તબીબી સુવિધાઓ ઉપલબ્ધ છે. ઇન્ક્યુબેટર બાળકને ગર્ભાશય જેવું નિયંત્રિત અને સુરક્ષિત તાપમાન પૂરું પાડે છે, જ્યારે નિયોનેટલ વેન્ટિલેટર અને ઓક્સિજન સિસ્ટમ શ્વાસ લેવામાં મુશ્કેલી અનુભવતા બાળકોને મુસાફરી દરમિયાન સતત શ્વસન સહાય પૂરી પાડે છે. મલ્ટીપેરા મોનિટર દ્વારા બાળકના હૃદયના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ અને અન્ય મહત્વના પરિમાણો પર સતત નજર રાખવામાં આવે છે. ઉપરાંત, તાલીમબદ્ધ ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન સમગ્ર મુસાફરી દરમિયાન બાળકની સ્થિતિ પર સતત દેખરેખ રાખી જરૂરી તબીબી સારવાર ઉપલબ્ધ કરાવે છે.નવજાત શિશુ માટે દરેક ક્ષણ જીવનદાયી બની શકે છે. આવા સમયે માત્ર ઝડપી પરિવહન પૂરતું નથી, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જરૂરી સારવાર મળી રહે તે પણ એટલું જ જરૂરી છે. ગુજરાત સરકારની 108 નિયોનેટલ એમ્બ્યુલન્સ સેવા આ બંને જવાબદારીઓ સફળતાપૂર્વક નિભાવી રહી છે. અનેક પરિવારો માટે આ સેવા માત્ર એક એમ્બ્યુલન્સ નહીં, પરંતુ તેમના લાડકવાયા સંતાનને સુરક્ષિત ભવિષ્ય તરફ લઈ જતી આશા અને વિશ્વાસની જીવંત કડી બની રહી છે.
