અમેરિકા દ્વારા ટેરિફમાં ઘટાડાથી સુરત સહિત સમગ્ર ગુજરાતના હીરા ઉદ્યોગમાં તેજીના નવા દ્વાર ખુલશે
Live TV
-
સુરતના કતારગામ સ્થિત ઈન્ડિયન ડાયમંડ ઈન્સ્ટીટ્યૂટના ચેરમેન દિનેશ નાવડિયાએ ટેરિફ ઘટાડાની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, વધુપડતા ટેરિફના કારણે સુરતના હીરાના પોલિશિંગ યુનિટ્સમાં લાખો કામદારો પર નોકરીનું સંકટ મંડરાઈ રહ્યું હતું. ઉદ્યોગને માર્જિન પર ભારે દબાણ આવ્યું હતું, કેશફ્લો અટવાઈ ગયો હતો.
હવે 18 % ના ટેરિફ થતા હીરાઉદ્યોગમાં નવી ઉર્જાનો સંચાર થશે. ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝના અહેવાલ અનુસાર આ ટેરિફ કટથી હીરાના નિકાસકારોને હવે વધુ સસ્તી કિંમતે માલ વેચવાની તક મળશે. જેથી નવા ઓર્ડર પાછા મેળવી શકાશે, જેનાથી મધ્યમ ગાળાના વિકાસ અને રોજગારીને મજબૂતી મળશે.
ટેરિફ ઘટાડવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રાજનીતિક કુનેહના ફરી એક વાર દેશવાસીઓને દર્શન થયા છે એમ જણાવી નાવડિયાએ ઉમેર્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અગાઉ યુરોપના 27 દેશોના યુરોપિયન યુનિયન સાથે કરવામાં આવેલી ટ્રેડ ડીલ અને હવે અમેરિકાના ટેરિફ ઘટાડવાના નિર્ણયથી ડાયમંડ ઈન્ડસ્ટ્રી, જેમ એન્ડ જ્વેલરી સેક્ટરને મોટું બજાર મળશે અને લાંબાગાળે મોટો આર્થિક ફાયદો થશે. આ રાહતથી માસ-માર્કેટ અને મિડ-પ્રાઈસ સેગ્મેન્ટમાં અમેરિકાના ખરીદદારો ફરીથી ભારતીય હીરા અને ઝવેરાત તરફ વળશે. લેબગ્રોન ડાયમંડ્સની વધતી હરીફાઈ વચ્ચે પણ નેચરલ ડાયમંડ્સની માંગ પણ પૂર્વવત થશે.સુરતના હીરા બજારમાં ફરી રોનક આવશે એમ જણાવી તેમણે વધુમાં કહ્યું કે, ટેરિફકાપનો નિર્ણય ભારત-અમેરિકા વેપાર સંબંધોમાં નવો અધ્યાય ખોલશે. આગામી મહિનાઓમાં ડાયમંડ નિકાસમાં ઝડપી વૃદ્ધિ થશે અને સુરત-મુંબઈના હીરા-ઝવેરાત હબ ફરીથી ધમધમી ઊઠશે. ભારતના હીરા-ઝવેરાત ઉદ્યોગ માટે આ એક નવી ઉર્જા આપશે. જેનાથી હીરાની નિકાસ વધવાની સાથે હીરા ઉદ્યોગનું ભવિષ્ય પણ સુરક્ષિત થયું છે. ટેરિફ 50% થી ઘટીને 18 % થતા CVD (Chemical Vapour Deposition) અને HPHT (હાઈપ્રેશર, હાઈ ટેમ્પરેચર) ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે: શાંતિભાઈ ધાનાણી (ખજાનચી, ડાયમંડ એસોસિએશન)સુરત ડાયમંડ એસોસિએશનના ખજાનચી શાંતિજી ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમેરિકા સરકાર દ્વારા ભારતીય ડાયમંડ પરના ઈમ્પોર્ટ ટેરિફમાં 50% થી ઘટાડો કરી 18% કરવામાં આવતા સુરતના હીરા ઉદ્યોગમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ટેરિફ ઘટવાથી ખાસ કરીને લો-વેલ્યુ ધરાવતા CVD (Chemical Vapour Deposition) અને HPHT (હાઈપ્રેશર, હાઈ ટેમ્પરેચર) ડાયમંડ ક્ષેત્રે રોજગારીની વિપુલ તકો સર્જાશે અને તેની માંગમાં મોટો ઉછાળો આવશે. અત્યાર સુધી 50% જેટલો ઊંચો ટેરિફ હોવાને કારણે અમેરિકામાં ડાયમંડ મોકલવામાં મુશ્કેલીઓ પડતી હતી, જે હવે ઘણી હળવી થશે. આનાથી સુરત અને દક્ષિણ ગુજરાતના હીરા ઉદ્યોગમાં નવી તેજી આવશે.
તેમણે કહ્યું કે, સુરતની વિવિધ ફેક્ટરીઓમાં અંદાજે 8 થી 10 લાખ રત્નકલાકારો કાર્યરત છે. ટેરિફમાં ઘટાડાને પરિણામે કામના ભારણમાં વધારો થતાં રત્નકલાકારોની આજીવિકા વધુ સુદ્રઢ બનશે. માત્ર સુરત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પણ બંધ થયેલા કારખાનાઓ ફરી ધમધમતા થવાની અને ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે. રિયલ ડાયમંડ અને જ્વેલરી ક્ષેત્રમાં સકારાત્મક બદલાવ આવશે એમ જણાવી ધાનાણીએ કહ્યું કે, રિયલ ડાયમંડ હજુ પણ હાઈ-વેલ્યુ ધરાવે છે. આગામી સમયમાં સરકાર જ્વેલરી પરના ટેરિફ અંગે પણ વાટાઘાટો (Negotiation) કરી રાહત અપાવે તેવી ઉદ્યોગકારોની માંગ છે. જો જ્વેલરી પરનો ટેરિફ પણ ઘટશે તો આ ક્ષેત્રમાં હરણફાળ પ્રગતિ જોવા મળશે.
