અરવલ્લીના ખેડૂતોનો ક્રાંતિકારી બદલાવ
Live TV
-
અરવલ્લીના ખેડૂતોનો ક્રાંતિકારી બદલાવ: 350 વીઘામાં ડ્રેગનફ્રુટ અને તાઇવાન જામફળની બાગાયતી ખેતીથી કાઠું કાઢ્યું
અરવલ્લી જિલ્લાના ખેડૂતો હવે પરંપરાગત પાકો છોડીને આધુનિક અને નફાકારક બાગાયતી ખેતી તરફ વળી રહ્યા છે. મોડાસા તાલુકાના લચ્છાઇ ગામના પ્રગતિશીલ ખેડૂત મિતેષભાઈ પંડ્યાએ આ ક્ષેત્રમાં એક સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે પોતાની 350 વીઘા જમીન પર ડ્રેગનફ્રુટ અને તાઇવાન જામફળની ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.
મિતેષભાઈના જણાવ્યા અનુસાર, તેમની આ સફળતા પાછળ બાગાયત વિભાગનું સતત માર્ગદર્શન અને સહયોગ મુખ્ય આધાર રહ્યો છે. મિતેષભાઈએ ખેતીમાં આધુનિક તકનીકો સાથે પ્રાકૃતિક ખેતપદ્ધતિઓનો સમન્વય કર્યો છે, જેના કારણે ગુણવત્તાયુક્ત અને વધુ ઉત્પાદન મળી રહ્યું છે. ખાસ કરીને તાઇવાન પ્રજાતિનું જામફળ અને ડ્રેગનફ્રુટનું વાવેતર ખૂબ જ સફળ સાબિત થયું છે.
બાગાયત વિભાગની ભૂમિકા
ખેડૂત મિતેષભાઈએ જણાવ્યું કે, બાગાયત વિભાગ દ્વારા ખેડૂતોને નવી ખેતી અપનાવવામાં સંપૂર્ણ સહકાર મળે છે. આમાં ટેકનિકલ માહિતી અને ટ્રેનિંગ, ગુણવત્તાયુક્ત રોપાની ઉપલબ્ધતા, સબસીડીની પ્રક્રિયામાં સંપૂર્ણ સહયોગ મળે છે.
આ પ્રકારનો સહયોગ ખેડૂતોને નવા પાકો અપનાવવાની હિંમત અને આત્મવિશ્વાસ આપે છે, જે અરવલ્લી જિલ્લામાં બાગાયતી ક્રાંતિનો માર્ગ મોકળો કરી રહ્યો છે. મિતેષભાઈની આ સિદ્ધિ અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે.
