આજે અધિક માસનો છેલ્લો દિવસ, દ્વારકામાં માનવ મહેરામણ ઉમટ્યું
Live TV
-
આ સિવાય આ મહિનામાં વ્રત અને ઉપવાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અધિક માસનું હિંદુ ધર્મમાં અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે.
અધિક માસ એટલે કે પુરુષોત્તમ માસનો આજે છેલ્લો દિવસ છે. આ મહિનાને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત કરવા માટેનો મહિનો માનવામાં આવે છે. આ આખા મહિનામાં દાન, જપ, તપ, પૂજા, અર્ચના ઈત્યાદી કરવાથી ખૂબ જ સારૂ ફળ પ્રાપ્ત થતું હોવાની માન્યતા છે.
આ સિવાય આ મહિનામાં વ્રત અને ઉપવાસનું પણ વિશેષ મહત્વ રહેલું છે. અધિક માસનું હિંદુ ધર્મમાં અને ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે. પુરૂષોત્તમ માસ કે અધિક માસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે.
ખગોળીય ગણના મુજબ દર ત્રણ વર્ષે વર્ષમાં એક મહિનો વધુ હોય છે. અમાસ અને અંતિમ દિવસે લોકોએ દાન કરી પુણ્ય કમાવવા મંદિરો, ગૌશાળા વગેરે સ્થાનોએ ધસારો કર્યો હતો.
આજે યાત્રાધામ દ્વારકામાં પણ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી ભીડ વચ્ચે મોટી સંખ્યામાં લોકોએ ગોમતી નદીમાં સ્નાન કરી પુરુષોત્તમ ભગવાનના દર્શન કરી પુણ્યનું ભાથું બાંધ્યું હતું. આજે પુરુષોત્તમ માસના અંતિમ દિવસે વહેલી સવારે પાંચ વાગ્યાથી જ શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના દર્શન માટે પહોંચ્યા હતા.
સમગ્ર મંદિર પરિસર અને જગત મંદિર જતા માર્ગોમાં ભાવિકોની લાંબી લાઇનો લાગી હતી. સમગ્ર પુરુષોત્તમ માસમાં ફાયર ટીમે 40 જેટલા ભાવિકોને ડૂબી જતાં બચાવ્યા હતા. ફાયર રેસ્ક્યુ ટીમે ચોવીસ કલાક હાજર રહી સ્પીડ બૉટ સાથે પેટ્રૉલિંગ કરી ફરજ બજાવી હતી.
