આજે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ NFSU ખાતે 11મી ઇન્ટરપોલ DFEG-મીટિંગનું ઉદ્ઘાટન કરશે
Live TV
-
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ વિશેષ ઉપસ્થિત રહેશે.
ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU) ખાતે ઇન્ટરપોલ ડિજિટલ ફોરેન્સિક એક્સપર્ટ ગ્રૂપ (DFEG) મીટિંગની 11મી આવૃત્તિનું ભવ્ય ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને NFSUના કુલપતિ ડૉ. જે.એમ. વ્યાસ વિશેષ ઉપસ્થિત રહેશે. આ વૈશ્વિક ફોરમમાં 47 દેશોના પ્રતિનિધિઓ અને કાયદા અમલીકરણ એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓ એકત્રિત થઈને ગુનાહિત તપાસમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે મંથન કરશે. વર્ષ 2022 પછી બીજી વખત આ પ્રતિષ્ઠિત બેઠકનું આયોજન કરીને NFSUએ વૈજ્ઞાનિક ગુના તપાસના ક્ષેત્રમાં ભારતને વિશ્વના નકશા પર અગ્રીમ હરોળમાં મૂક્યું છે.
NFSU બનશે આધુનિક ટેકનોલોજીનું હબ: 5 મુખ્ય પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
ઉદ્ઘાટન સમારોહમાં ગૃહમંત્રી અમિત શાહ પાંચ અત્યાધુનિક કેન્દ્રો અને સાધનોનું લોકાર્પણ કરશે, જે તપાસ પ્રક્રિયામાં ક્રાંતિ લાવશે:01. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ફાઇનાન્શિયલ ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન: AI-આધારિત ડેટા તપાસ દ્વારા નાણાકીય છેતરપિંડીઓને 360-ડિગ્રી સ્તરે ડિકોડ કરવામાં આવશે.
02. સેન્ટર ઑફ એક્સેલન્સ ઇન મીડિયા ફોરેન્સિક્સ: ભારતનું પ્રથમ સેન્ટર, જે પત્રકારોને ફોરેન્સિક જર્નાલિઝમમાં વ્યાવસાયિક કૌશલ્ય પ્રદાન કરશે.
03. સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ક્રાઇમ સીન મેનેજમેન્ટ: પરંપરાગત તપાસ અને આધુનિક ફોરેન્સિક વિજ્ઞાન વચ્ચે સેતુ બનતું કેન્દ્ર.
04. સાયબર ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન વાન: એશિયાની પ્રથમ 'મેક-ઇન-ઇન્ડિયા' મોબાઇલ ફોરેન્સિક લેબોરેટરી, જે ગુનાના સ્થળે જ પુરાવા એકત્ર કરવામાં સક્ષમ છે.
05. વૈશ્વિક ટેકનોલોજી પ્રદર્શન: Google, Cellebrite, Amped જેવી 30થી વધુ બહુરાષ્ટ્રીય કંપનીઓ તેમની અત્યાધુનિક સાયબર સુરક્ષા ટેકનોલોજી પ્રદર્શિત કરશે.
‘AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક્સ’ પર આંતરરાષ્ટ્રીય સ્પર્ધા
આ કાર્યક્રમ માત્ર ઉદ્ઘાટન પૂરતો સીમિત નથી. તા. 15 જુલાઈ, 2026ના રોજ ઇન્ટરપોલના સહયોગથી NFSU ખાતે ‘AI-સક્ષમ ડિજિટલ ફોરેન્સિક ઇન્વેસ્ટિગેશન’ વિષય પર પ્રથમ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટિગેશન કોમ્પિટિશન અને શિખર સંમેલન યોજાશે. આ મંચ વિશ્વભરના નિષ્ણાતોને એકત્ર કરીને ફોરેન્સિક વિજ્ઞાનમાં નવીનતા અને સહયોગને પ્રોત્સાહન આપશે. ભારતની આ પહેલ ગુનાહિત તપાસને વધુ સચોટ, ઝડપી અને વૈજ્ઞાનિક બનાવવા તરફનું એક ઐતિહાસિક પગલું સાબિત થશે.
