આણંદ : નવા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી
Live TV
-
“સ્વચ્છતા હી સેવા” અભિયાનના ભાગરૂપે ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની રહે તે માટે એક નવતર પહેલના ભાગરૂપે ”શુભ યાત્રા સ્વચ્છ યાત્રા” કેમ્પઈનની શરૂઆત કરવામાં આવી છે.
જે અંતર્ગત રાજ્યના તમામ બસ સ્ટેશનો ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરાશે. જેમાં વિવિધ એન.જી.ઓ, શાળા/કોલેજોના સહયોગથી શેરી નાટકો, સ્વછતા દોડ, રકતદાન શિબિર, વોલ પેઇન્ટિંગ અને બસ સ્ટેશનો ખાતે વૃક્ષારોપણ કરાશે. નિગમની બસો અને બસ સ્ટેશનો પ્લાસ્ટિક મુક્ત બને તે માટે ખાસ ઝુંબેશ હાથ ધરાશે તેમજ સોશિયલ મીડિયા પર હેશટેગ(#) શુભ યાત્રા સ્વચ્છ યાત્રા અભિયાન ચલાવાશે.
આ અભિયાનના ભાગરૂપે આણંદ ખાતે સાંસદ મિતેષ પટેલ, ધારાસભ્ય યોગેશ પટેલ, આણંદ નગરપાલિકા પ્રમુખ જીગ્નેશ પટેલ તેમજ નિગમના અધિકારી-કર્મચારીઓની ઉપસ્થિતિમાં આણંદ સ્થિત નવા બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાની વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ પ્રસંગે સાંસદ મિતેષ પટેલે મુસાફરોને બસમાં સ્વચ્છતા જાળવવા માટે અનુરોધ કરતા જણાવ્યુ હતું કે, નિગમની તમામ બસમાં ડસ્ટબીન મુકવામાં આવી છે, એટલે કચરો બસમાં ના ફેંકતા મુસાફરોએ પ્રવાસ દરમિયાન કચરાને ડસ્ટબીનમાં જ નાખવો જોઇએ. બસ ઉપરાંત જાહેર સ્થળો, રસ્તા, બગિચા તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવી જોઈએ તેમ વધુમાં ઉમેર્યું હતું.
