આદિવાસી ખેડૂતો સરકારની સહાયથી બારેમાસ મબલખ પાક લેતા થયા
Live TV
-
ગુજરાતના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારોમાં કેન્દ્ર સરકારની 'પીએમ કુસુમ યોજના' સિંચાઈ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. વનબંધુ વિસ્તારોના ખેડૂતો હવે વીજળીની અછત અને મોંઘા બિલની ચિંતા છોડીને, સોલર પંપના સહારે બારેમાસ મબલક પાક લઈ રહ્યા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારની 100 ટકા સબસિડીના સથવારે આ યોજના અંતરિયાળ ગામડાઓમાં આર્થિક સમૃદ્ધિનો નવો સૂર્યોદય લઈને આવી છે.

ડાંગ જિલ્લાના ઉમરપાડા ગામના ખેડૂત ભરતભાઈ વાઘમારે આ યોજનાનું જીવંત ઉદાહરણ છે. સૌર ઊર્જા સંચાલિત સોલર પંપ મળ્યા બાદ હવે તેઓ સિંચાઈ માટે માત્ર ચોમાસા પર નિર્ભર નથી. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળતા અવિરત પાણીના કારણે તેઓ પોતાના ખેતરમાં ડાંગર, તુવેર અને અડદ ઉપરાંત રીંગણ તેમજ ચોળી જેવા શાકભાજીનું બારેમાસ રેકોર્ડબ્રેક ઉત્પાદન મેળવી રહ્યા છે.
તાપી જિલ્લાના ગવાન ગામના ખેડૂત રાજેશભાઈ વસાવા પણ સોલર પંપની મદદથી વર્ષમાં ત્રણ પાક લઈ રહ્યા છે. આ યોજનાના કારણે ખેડૂતોને હવે સિંચાઈ માટે રાત્રે જાગવાની કે મોંઘા ડીઝલ અને વીજ બિલની કોઈ ચિંતા રહી નથી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આદિવાસી વિસ્તારો માટે વિશેષ જોગવાઈ કરી છે, જેમાં કેન્દ્ર સરકારની ૩૦ ટકા સબસિડી ઉપરાંત રાજ્ય સરકાર બાકીના 70 ટકા ઉમેરીને ખેડૂતોને પૂરેપૂરી 100 ટકા સબસિડીનો લાભ આપી રહી છે.
ગુજરાતમાં આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 695 મેગાવોટ ક્ષમતાના 256 સોલર પાવર પ્લાન્ટ શરૂ કરીને અંદાજે 2.97 લાખ કૃષિ પંપોને સોલરાઈઝ કરાયા છે. આ ઉપરાંત 22,787થી વધુ સ્ટેન્ડઅલોન સોલર પંપ સીધા ખેતરોમાં કાર્યરત થઈ ચૂક્યા છે. આજે રાજ્યના આદિવાસી વિસ્તારો માટે આ ટેક્નોલોજી માત્ર એક સાધન નથી, પરંતુ વધુ પાક અને મબલક આવક મેળવીને ખુશહાલ જીવન જીવવાનું એક સશક્ત માધ્યમ બની ગઈ છે.