અમદાવાદના બોપલ-ઘુમામાં દીપડો દેખાતા લોકોમાં દહેશત ફેલાઈ
Live TV
-
અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીના પગલે આ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
અમદાવાદના બોપલ-ઘુમા જેવા પોશ રહેણાંક વિસ્તારમાં અચાનક દીપડો ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ભારે દહેશત અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઘુમા VIP રોડ પર આવેલી શરણદીપ સોસાયટીમાં દીપડાની એન્ટ્રીના પગલે આ સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.
મોડી રાત્રે જોવા મળ્યો દીપડો પ્રાપ્ત માહિતી અનુસાર, રવિવાર, 19 જુલાઈની મોડી રાત્રે રસ્તા પરથી પસાર થઈ રહેલા બે નાગરિકોની નજર અચાનક એક દીપડા પર પડી હતી. સોસાયટી નજીક જ વન્યજીવને નજરે પડતા બંને લોકો ડઘાઈ ગયા હતા અને તેમણે તાત્કાલિક પોતાના પરિવારજનો તેમજ સોસાયટીના અન્ય રહીશોને આ અંગે સાવચેત કર્યા હતા.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રહીશોએ સાવચેતીના ભાગરૂપે સોસાયટીના CCTV ફૂટેજ તપાસ્યા હતા, જેમાં દીપડાની હિલચાલ સ્પષ્ટપણે નજરે પડી હતી. રહેણાંક વિસ્તારની અંદર ખુલ્લેઆમ દીપડો ફરી રહ્યો હોવાનું સામે આવતા જ સોસાયટીના સભ્યોએ વિલંબ કર્યા વગર તુરંત જ વનવિભાગને આ બાબતની જાણ કરી હતી.
વનવિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ બનાવની જાણ થતાં જ વનવિભાગનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગના અધિકારીઓ હાલ CCTV ફૂટેજ તેમજ દીપડાના પગના નિશાનના આધારે તે કઈ દિશામાં આગળ વધ્યો છે તેનું ઝીણવટભર્યું વિશ્લેષણ કરી રહ્યા છે. દીપડો આગળ જઈને અન્ય કોઈ રહેણાંક વિસ્તારમાં ન પ્રવેશે અથવા કોઈ નાગરિક પર હુમલો ન કરે તે માટે આજુબાજુના તમામ વિસ્તારોમાં વનવિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે અને સુરક્ષાના ભાગરૂપે પાંજરું ગોઠવવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
