ખરાબ હવામાનના કારણે દિલ્હી-દમણની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
Live TV
-
દિલ્હીથી દમણ આવતી એલાયન્સ એરની ફ્લાઇટ 9I-811 સોમવારે સવારે ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (લો વિઝિબિલિટી)ને કારણે દમણ એરપોર્ટ પર લેન્ડિંગ કરી શકી નહોતી. પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ માટે બે વખત પ્રયાસ કર્યો હતો, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે આ ફ્લાઇટને અમદાવાદ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ ફ્લાઇટ સોમવારે સવારે અંદાજે 6:30 વાગ્યે આશરે 40 મુસાફરોને લઈને દિલ્હીથી રવાના થઈ હતી અને સવારે લગભગ 9:00 વાગ્યે દમણ પહોંચી હતી. જોકે, સતત ખરાબ હવામાન અને વિઝિબિલિટી ઓછી હોવાને કારણે એરપોર્ટ પર વિમાનનું અવતરણ અશક્ય બન્યું હતું. મુસાફરોની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા પાયલોટે ફ્લાઇટને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતારી લીધી હતી, જ્યાં તમામ મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા બાદ આ ફ્લાઇટ રદ કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ દમણ અને દિલ્હી વચ્ચે સીધી હવાઈ સેવા શરૂ કરવામાં આવી છે, જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ, આજે ખરાબ હવામાન અને ધુમ્મસ કે વાદળછાયા વાતાવરણને કારણે આ મહત્વપૂર્ણ હવાઈ સેવા પ્રભાવિત થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.