આધાર કાર્ડમાં સુધારો કરાવવા 3 હજારની લાંચ લેતા BMCનો આધાર ઓપરેટર અને ખાનગી વ્યક્તિ ઝડપાયા
Live TV
-
ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB)એ આજે સફળ ડીકોય કાર્યવાહી કરી ભાવનગર મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનની આખલોલ જકાતનાકા સ્થિત આધાર કાર્ડ સેન્ટરમાંથી આધાર ઓપરેટર વિજય ભરતભાઈ ડાભી અને સદ્દગુરુ ઓનલાઈન સર્વિસ ચલાવતા અશ્વિન બાંભણિયાને રૂ. 3,000ની લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
ACBને મળેલી હકીકત મુજબ આરોપી અશ્વિન બાંભણિયા પોતાની ઓફિસ મારફતે આધાર કાર્ડ, પાન કાર્ડ તથા અન્ય ઓનલાઈન સેવાઓના કામકાજ કરતો હતો અને ભાવનગર મહાનગરપાલિકાના આધાર ઓપરેટર સાથે મળતાવળ રાખી આધાર કાર્ડમાં સુધારા-વધારા કરાવી આપવા બદલ રૂ. 2 હજારથી રૂ. 3 હજાર સુધીની લાંચ વસૂલતો હોવાની માહિતી મળી હતી.
આ માહિતીના આધારે ACBએ ડીકોય ગોઠવ્યો હતો. ડીકોયરે આધાર કાર્ડમાં સુધારા માટે જરૂરી દસ્તાવેજો વોટ્સએપ મારફતે આરોપી અશ્વિન બાંભણિયાને મોકલ્યા હતા. ત્યારબાદ ડીકોયરને BMC પશ્ચિમ ઝોનના આધાર કાર્ડ સેન્ટર ખાતે બોલાવવામાં આવ્યો હતો, જ્યાં આધાર ઓપરેટર વિજય ડાભીએ આધાર કાર્ડમાં સુધારો કરી આપ્યો હતો. ત્યારબાદ આરોપી અશ્વિન બાંભણિયા સાથે ટેલિફોનિક વાતચીત કર્યા બાદ રૂ. 3,000ની લાંચ સ્વીકારતા ACBની ટીમે બંનેને રંગેહાથ ઝડપી પાડ્યા હતા.
