દક્ષિણ ગુજરાતમાં આકાશી-આફત બાદ ઘર વપરાશનો મહત્તમ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરાયો
Live TV
-
DGVCLએ પૂરના પાણી ઓસરતા દિવસ-રાત પૂર પ્રભાવિત વિસ્તારોમાં વીજ પુરવઠો કાર્યરત કર્યો, કર્મયોગીઓના અવિરત પરિશ્રમથી સાતત્યપૂર્ણ વીજપ્રવાહ સ્થાપિત થયો, દક્ષિણ ગુજરાતના વિવિધ અસરગ્રસ્ત 1 હજારથી વધુ રાજ્યના ગામોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત
દક્ષિણ ગુજરાતમાં જુલાઈમાં થયેલા ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો ઠેર-ઠેર ખોરવાયો હતો અને કેટલાક વીજપોલ તેમજ ટ્રાન્સફોર્મરો ભારે ક્ષતિગ્રસ્ત થયા હતા. ગ્રાહકોને ઝડપથી અને સુરક્ષિત રીતે વીજ પુરવઠો મળી રહે એ માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિ.(GUVNL)ના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાત વીજ કંપની લિ. દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સમગ્ર કામગીરીના સંકલન, દેખરેખ અને રિયલ ટાઇમ મોનિટરિંગ સિસ્ટમ માટે 24×7 કંટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવ્યો હતો, જેના માધ્યમથી તમામ વીજ વિતરણ કંપનીઓ સાથે સતત સંકલન જાળવી જરૂરી નિર્ણયો ઝડપી લેવામાં આવી રહ્યા છે. DGVCL દ્વારા પૂર પ્રભાવિત વિસ્તારોમાં દિવસ-રાત સતત કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે. ફોલ્ટ વાળી લાઈનમાં તેજ ગતિથી વીજ પ્રવહન કામગીરી કરવામાં આવી રહી છે.
DGVCL હેઠળ સુરત, નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે 6584 ટ્રાન્સફોર્મર, 213 વીજ ફીડર અને 200 વીજ પોલ પ્રભાવિત થયા હતા. દ.ગુજરાતના તમામ જિલ્લામાં પૂરનું પાણી ઓસરતા જ વીજ કંપનીઓના ઇજનેરો અને ટેક્નિકલ કર્મચારીઓએ સબસ્ટેશન, ફીડર, ટ્રાન્સફોર્મર તેમજ વીજ લાઇનોનું તાત્કાલિક નિરીક્ષણ તેમજ સર્વે શરૂ કર્યો હતો. જરૂરી સલામતી તપાસ કામગીરી પૂર્ણ કર્યા બાદ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં તબક્કાવાર રીતે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યો છે.
પાણી ઓસરતાની સાથે જ DGVCLની 338 ટીમોના 1334 અધિકારીઓ-કર્મચારીઓ તથા PGVCL-રાજકોટથી આવેલ 10 ટીમ દ્વારા સતત વીજ પ્રવહન કામગીરી હાથ ધરી DGVCLના ૩૨૨ ગામોમાં તથા રાજ્યના 1 હજાર જેટલા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કર્યો હતો.
DGVCLના અધિકારીઓ સમગ્ર કામગીરી પર સતત દેખરેખ રાખી રહ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાનો સ્ટાફ, વાહનો અને જરૂરી સામગ્રીની વ્યવસ્થા કરીને વીજ પૂરવઠો ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે તમામ પ્રયાસોકરાઈ રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં આકાશી-આફત બાદ ઘર વપરાશનો મહત્તમ વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે, જ્યારે બાકીના હજુ પણ પાણી ભરાયેલા વિસ્તારોમાં પાણીનું સ્તર જેમ જેમ ઘટતું જશે તે પ્રમાણે અને પરિસ્થિતિ અનુકૂળ બનતા યુદ્ધના ધોરણે કામગીરી કરીને વીજ પ્રવહન કાર્યરત કરવામાં આવશે.
