આહવા જિલ્લા સેવા સદન ખાતે કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાઈ પ્રેસ કોન્ફરન્સ
Live TV
-
સી વિજીલ એપ, હેલ્પલાઇન નંબરો, સ્વીપ એક્ટિવિટી, ગ્રીન મતદાન મથક, મહિલા મતદાન મથક, યુવા મતદાન મથક, પીડબ્લ્યુડી મતદાન મથક, આદર્શ મતદાન મથક, જુદી જુદી સમિતિઓ અને સ્કવોડ જેવી બાબતોની વિગતો રજૂ કરવામાં આવી
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાના જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેકટર ધર્મેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતવિસ્તારની યોજાનારી સામાન્ય ચૂંટણી પૂર્ણ પારદર્શકતા સાથે, નિષ્પક્ષ અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લાનુ ચૂંટણી પ્રશાસન સંપૂર્ણ સજ્જ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી ધર્મેન્દ્રસિંહજી જાડેજાએ પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.
ડાંગ જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી 'પ્રેસ કોન્ફરન્સ'ને સંબોધતા કલેકટરે જિલ્લાની ચૂંટણીલક્ષી વિગતો રજૂ કરી, સી વિજીલ એપ, હેલ્પલાઇન નંબરો, સ્વીપ એક્ટિવિટી, ગ્રીન મતદાન મથક, મહિલા મતદાન મથક, યુવા મતદાન મથક, પીડબ્લ્યુડી મતદાન મથક, આદર્શ મતદાન મથક, જુદી જુદી સમિતિઓ અને સ્કવોડ જેવી બાબતોની વિગતો રજૂ કરી હતી. કલેકટરે નિષ્પક્ષ, ન્યાયી અને પારદર્શક ચૂંટણી પ્રક્રિયા માટે મીડિયાના પ્રતિનિધિઓને પણ સહયોગ આપવાની અપીલ કરી હતી.
દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહજી જાડેજાએ ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઈ રહે તે માટે બે હજારથી વધુ પોલીસ અધિકારીઓ, જવાનો અને ૪ જેટલી CRPF કંપનીના જવાનો ફરજ નિયુક્ત કરાયા છે તેમ જણાવ્યુ હતુ.
કલેકટરે દસ જેટલી આંતરરાજ્ય ચેકપોસ્ટ અને ત્રણ જેટલી આંતરિક ચેકપોસ્ટ મળી કુલ 13 જેટલી ચેકપોસ્ટ નિયત કરવામા આવી છે તેમ જણાવી, જિલ્લામાં અનઅધિકૃત હેરાફેરી ઉપર પણ પોલીસ ચાપતી નજર રાખી રહી છે તેમ ઉમેર્યું હતુ. સોશિયલ મીડિયા, ફેક ન્યુઝ જેવી બાબતોએ પણ વિશેષ તકેદારી દાખવવામા આવી રહી છે તેમ પણ પોલીસ અધિક્ષકે વધુમા ઉમેર્યું હતુ.
બેઠક દરમિયાન ખર્ચના નોડલ ઓફિસર એવા જિલ્લા વિકાસ અધિકારી ડૉ. વિપિન ગર્ગએ તેમની કામગીરીની બાબતો રજૂ કરી હતી.
જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમા જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ સહિત નિવાસી અધિક કલેકટર પી.એ.ગાવિત, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી એસ. ડી. ચૌધરી, ચૂંટણી મામલતદાર મેહુલ ભરવાડ, સહિત મીડિયા કમિટીના નોડલ ઓફિસર-વ-સહાયક માહિતી નિયામક મનોજ ખેંગાર વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા નિભાવી હતી.
ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લામા કુલ 335 જેટલા મતદાન મથકો પર 1 લાખ 93 હજાર 257 મતદારો સહિત 41 જેટલા સેવા મતદારો મળી કુલ 1 લાખ 93 હજાર 298 મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
