ઉનાળાના આગમન સાથે દેશી ફ્રિઝનું આગમન પણ થયું શરુ
Live TV
-
રાજ્યમાં ઉનાળો ધીમે-ધીમે દસ્તક આપી રહ્યો છે ત્યારે હવે મધ્યમ વર્ગના દેશી ફ્રિઝ તરીકે ઓળખાતી માટીની માટલીઓનું પણ આગમન શરુ થઈ ગયું છે. સાબરકાંઠા જીલ્લાના હાઈવે પર શો-રુમમાં ગોઠવાયેલી ચીજ-વસ્તુઓની જેમ માટીની માટલીઓ પણ લારીમાં ગોઠવાઈ ગઈ છે. દરેક વર્ષે ઉનાળાની સિઝનમાં માટલાની માગ ખુબ વધારે હોય છે ત્યારે આ વર્ષે પણ વેપારીને માટલાના અઢળક વેચાણની આશા છે.
આગ ઝરતા ઉનાળાની મોસમમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો મોટાભાગે ઠંડી ચીઝ-વસ્તુઓનો ખાણી-પીણીમાં ઉપયોગમાં લેતા હોય છે. ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો દેશી ફ્રિઝ સમાન માટલામાં રાખેલું પાણી પીવાનું પસંદ કરતા હોય છે.
લોકો ધીમે-ધીમે સ્વદેશી અને પરંપરાગત તથા લોકલ ફોર વોકલ વસ્તુઓની ખરીદી તરફ વળ્યા છે. ત્યારે આ વર્ષે દેશી માટલાની માંગમાં વધારો નોંધાયો છે. સાબરકાંઠાથી ગાંધીનગર, અમદાવાદ, નાસિક અને મુંબઈ સુધી હોલસેલમાં માટલાંનું વેચાણ કરવામાં આવે છે, તેવુ વેપારી મનુભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, શહેરીજનો રંગબેરંગી માટલી લેવાનું પસંદ કરે છે, જ્યારે ગ્રામજનો સાદી માટલી પસંદ કરે છે. હાલ સાદી માટલીનો ભાવ રુ.100 થી 500 છે જ્યારે રંગબેરંગી માટલીનો ભાવ રુ.300 થી 600 સુધીનો છે.
આર્યુવેદ પ્રમાણે દેશી માટલાનું પાણી પીવાના અનેક ફાયદા છે. અને તેનાથી અનેક રોગોથી પણ બચી શકાય છે. જેથી પ્રાચીન કાળથી ભારતીય ઘરોમાં માટલાનુ પાણી પીવાય છે. માટીની ભીની-ભીની સુગંધ જે પાણીમાં આવી જાય છે. ત્યારે પાણી પીવાનો આનંદ જ અનેરો હોય છે.
સાબરકાંઠા જીલ્લાના આગીયા, પાદરડી ગામના કારીગરો પોષ માસની ખરી ઠંડીમાં માટલા બનાવે છે અને તે માટલીમાં પાણી પણ ઠંડુ થાય છે તેવુ ગ્રાહક પણ જણાવી રહ્યા છે. ત્યારે લોકલ ફોર વોકલને પ્રાધાન્ય આપવા માટે આપણે પણ રોજી રળતા કુંભાર પાસેથી દેશી માટલીની ખરીદી કરવી જોઈએ. જેનાથી તેમની આવકમાં વધારો થાય અને આપણ આરોગ્યમાં પણ સુધારો થશે. દેશી માટલીની સાથે આજકાલ માર્કેટમાં માટીની બોટલ, માટીના વાસણો, માટીની છાશની કુલડી અને અનેક વસ્તુઓની માગ પણ વધી છે.
