ધોળકામાં આરોગ્યમંત્રીના હસ્તે ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત ગરીબોને વિવિધ સરકારી સહાય કરાઈ અર્પણ
Live TV
-
અમદાવાદ જિલ્લાના ધોળકામાં ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોળકાની ધરા પર ગરીબોને ગરિમામય જીવન જીવવાનો અવસર પૂરુ પાડવાના હેતુથી આયોજિત ગરીબ કલ્યાણ મેળામાં વિવિધ સરકારી સહાય અર્પણ કરતાં આરોગ્યમંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળાએ સરકારના ગહન વિચાર,મંથન અને ચિંતનનું સંવેદનશીલ સ્વરૂપ છે.મંત્રીએ કહ્યું કે, ગરીબ કલ્યાણ મેળા થકી રાજ્ય સરકારના જુદા-જુદા વિભાગની સહાય પુરી પાડી ગરીબોના આર્થિક ઉત્કર્ષ અને સશક્તિકરણની દિશામાં ગંભીરતા પૂર્વક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રી એ ગરીબ કલ્યાણ મેળાની પૂર્વભૂમિકા સ્પષ્ટ કરતા કહ્યું કે, ગરીબોને સહાય વિતરણમાં પારદર્શકતા એ સરકારનો ધ્યેયમંત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની 'ટીમ ગુજરાત' ગરીબ કલ્યાણ મેળા થકી ગરીબોને તેમનો અધિકાર અપાવી રહી છે અને વિકાસની પ્રક્રિયામાં વંચિત રહેલા ગરીબોને વિકાસયાત્રામાં સહભાગી બનાવી રહી છે.તેમણે આ અવસરે એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સરકારની આ સહાયથી ગરીબો વધુ સન્માનપૂર્વક જીવન જીવી શકશે.
જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળાને સંબોધતા રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભૂતકાળમાં ગરીબો સુધી યોજનાના લાભ પહોંચાડવામાં એજન્ટ રાજ ચાલતું હતું, જેને ગરીબ કલ્યાણ મેળાએ નેસ્તો નાબુદ કર્યું છે ઋષિકેશભાઈએ કહ્યું કે, હાલના પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ગરીબ કલ્યાણ મેળાનો આરંભ કરાવતા ગરીબલક્ષી યોજનાઓના લાભ વિતરણમાં ચાલતા એજન્ટ રાજનો અંત આવ્યો છે.
આ અવસરે ઉપસ્થિત કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે કહ્યું કે, ભારતીય બંધારણમાં કલ્યાણ રાજ્યનો વિચાર વ્યક્ત કરવામાં આવ્યો છે. જે અનુસાર રાજ્યમાં વસતા તમામ લોકો સુધી વિકાસના લાભો પહોંચાડવાની રાજ્યનું કર્તવ્ય છે. તેમણે ઉમેર્યું કે, અત્યાર સુધીના ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના 1.47 કરોડ દરિદ્રનારાયણને રૂ. 26 હજાર કરોડથી વધુના લાભ હાથો-હાથ પહોંચાડવામાં આવ્યા છે, જે ભારતીય બંધારણની કલ્યાણ રાજ્યની સંકલ્પનાને સાકાર કરે છે.
દેવુસિંહે ચૌહાણે કહ્યું કે, ભૂતકાળમાં ગરીબી હટાવવા માટે ગરીબી રેખા નિર્ધારીત કરવામાં આવી હતી, પરંતુ તેના થકી સાચા અર્થમાં ગરીબી દુર થઈ શકી ન હતી, પરંતુ ગરીબ કલ્યાણ મેળા થકી આ દિશામાં અર્થસભર કામ થયું છે. મંત્રીશ્રીએ ટેકનોલોજીના માધ્યમ થકી પારદર્શકતા માટે થયેલા પ્રયાસોની રૂપરેખા આપતા કહ્યું કે, ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર (ડીબીટી) થકી હવે યોજનાના લાભાર્થીઓ ના બેંક ખાતામાં સીધી રકમ જમા થાય છે.એટલે તેમાં ક્યાંય ભ્રષ્ટાચારને અવકાશ રહેતો નથી.
