કચ્છ : રાજયપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ
Live TV
-
કચ્છની મુલાકાત દરમિયાન રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આજે બિદડા ગામ ખાતે બિદડા સર્વોદય ટ્રસ્ટ સંચાલિત કે.એમ.પટેલ આરોગ્યધામ ખાતે નેચર કયોર થેરાપી સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આ પ્રસંગે હોસ્પિટલના પાયાના પથ્થર સ્વ. બચુભાઇ રાંભિયાને યાદ કરતાં જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારના લોકોના કલ્યાણ માટે સ્થાપેલી હોસ્પિટલ આજે વટવૃક્ષ બનીને દીન-દુખિયાઓ માટે કાર્ય કરી રહી છે. દરેક પ્રકારની આરોગ્ય સેવા આપતી આ હોસ્પિટલમાં કાર્યરત નેચર ક્યોર થેરાપી સેન્ટર લોકોને પ્રકૃતિની વધુ નજીક લઇ જઇને આરોગ્યપ્રદાન કરશે.
તેમણે સ્વસ્થ શરીર માટે આયુર્વેદનો મહિમા જણાવીને લોકોને જીવનનો આનંદ માણવા માટે પ્રથમ સ્વસ્થતા પર ધ્યાન આપવા ભાર મુકયો હતો. આજના ફાસ્ટયુગમાં ફાસ્ટફુડ, બેઠાડુ જીવન, આળસ ત્યજીને વ્યસ્તતા વચ્ચે પણ યોગ, પ્રાણાયામ સાથે યોગ્ય જીવન શૈલી અપનાવવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે રાજયપાલે પ્રાકૃતિક ખેતીનો મહિમા સમજાવીને ઉપસ્થિતોને રાસાયણિક ખેતી ન કરવા તથા પ્રાકૃતિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અનુરોધ કરતાં ઉમેર્યું હતું કે, આહાર એ જ ઔષધિ છે, તેને જો યોગ્ય રીતે અપનાવાય તો રોગનું શમન કરી શકે છે.
રાજયપાલે સ્વામી દયાનંદ સરસ્વતીને યાદ કરી તેમણે સમાજકલ્યાણ માટે આપેલા બોધને સમજાવી દાતાઓ દ્વારા લોકકલ્યાણ માટે કરાતી દાનની સરવાણીને ધાર્મિકતાનું દ્યોતક ગણાવી હતી.
આ પ્રસંગે રાજયપાલે નેચર ક્યોર થેરાપી સેન્ટરનું ઉદધાટન કરીને હોસ્પિટલના રિહેબેલીટેશન સેન્ટર, યોગ સેન્ટર સહિતની મુલાકાત લઇને હોસ્પિટલની સેવા કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમણે છેવાડાના મરૂપ્રદેશમાં ટ્રસ્ટીઓ તથા દાનવીરો દ્વારા આરોગ્યસેવા માટે જલાવેલી જયોતને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.
