કઠલાલ તાલુકામાં ‘આંગણવાડી પ્રવેશ ઉત્સવ-2026’નો ઉત્સાહભેર પ્રારંભ: મહાનુભાવોને આમંત્રણ પત્રિકા પાઠવી
Live TV
-
ભૂકાંઓના સર્વાંગી વિકાસ અને તેમને શિક્ષણના પ્રથમ પગથિયા સાથે જોડવાના ઉમદા હેતુથી આવતીકાલ થી યોજાનાર ‘આંગણવાડી પ્રવેશ ઉત્સવ-2026’ અંતર્ગત કઠલાલ તાલુકામાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
જે અંતર્ગત આજરોજ જિલ્લા અને તાલુકાના ઉચ્ચ અધિકારીઓ તથા પદાધિકારીઓને કાર્યક્રમનું ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું.
બાળ વિકાસ યોજના અધિકારી (CDPO) અલકાબેન રાઠોડના માર્ગદર્શન હેઠળ એક નવતર પહેલ રૂપે, આંગણવાડીના નાના-નાના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી હતી. જેમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી (DDO) ખેડા, માનનીય જિલ્લા પ્રમુખ ખેડા, માનનીય પ્રોગ્રામ ઓફિસર, માનનીય પ્રાંત અધિકારી, માનનીય મામલતદાર, માનનીય તાલુકા વિકાસ અધિકારી (TDO) તેમજ કઠલાલના માનનીય ચીફ ઓફિસરને રૂબરૂ મળીને આદરપૂર્વક કંકોતરી/આમંત્રણ પત્રિકા સુપ્રત કરાઈ હતી. નાના બાળકોના હાથે આમંત્રણ મળતા તમામ અધિકારીઓએ હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આ સુંદર ક્ષણો સાક્ષી બનવા અને સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મુખ્ય સેવિકા બહેનો તથા આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.આંગણવાડી પ્રવેશ ઉત્સવ અંગે માહિતી આપતા બાળ વિકાસ યોજના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય નાના બાળકોને રમત-ગમત સાથે શૈક્ષણિક પ્રવાહમાં જોડવાનો અને તેમના આંતરિક કૌશલ્યો ખીલવી સર્વાંગી વિકાસ કરવાનો છે. આગામી દિવસોમાં યોજાનાર આ પ્રવેશ ઉત્સવ કઠલાલ તાલુકામાં ભારે જનજાગૃતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે
