કુંવરજી હળપતિના હસ્તે સુરતના માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ખાતે રૂ. ૪ કરોડ ૫૮ લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
Live TV
-
આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કુંવરજી હળપતિના હસ્તે સુરતના માંડવી તાલુકાના સાદડી અને મોટી ચેર ખાતે ૪ કરોડ ૫૮ લાખ રૂપિયાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સાથે જ સાદડી ગામે ૧૨ લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા પુસ્તકાલયના મકાનનું ભૂમિપૂજન કરાયું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, માંડવી તાલુકાના પ્રત્યેક ગામોના યુવા અને મહિલાઓના સશક્તિકરણ સાથે સર્વાંગી વિકાસ સાધી સ્માર્ટ વિલેજ બનાવવાનો સંકલ્પ કર્યો છે.
ગામમાં નિર્માણ પામનાર પુસ્તકાલય માટે ગ્રામજનોને અભિનંદન આપતા મંત્રીશ્રીએ ગામના બાળકો અને યુવા વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા બાળકોએ ગામ છોડી અન્યત્ર જવું નહીં પડે. તેઓ ઘર આંગણે જ લાયબ્રેરીનો લાભ લઇ ઉચ્ચ શિક્ષણ કે અન્ય પરીક્ષાઓની તૈયારી કરી પોતાની ઉજ્જવળ કારકિર્દી ઘડી પરિવાર સાથે ગામ,શહેર કે રાજ્યના વિકાસમાં મહત્વનું યોગદાન આપી શકે છે. સૂત્રો અનુસાર, આ વિકાસકાર્યો થવાથી માંડવી તાલુકાની માળખાગત સુવિધાઓમાં વધારો થશે.
