કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રીના હસ્તે આવતીકાલે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદનું ઉદઘાટન થશે
Live TV
-
કેન્દ્રિય મત્સ્ય અને પશુપાલન મંત્રી પરષોતમ રૂપાલાના હસ્તે આવતીકાલે અમદાવાદના સાયન્સ સીટી ખાતે વૈશ્વિક મત્સ્યપાલન પરિષદનું ઉદઘાટન થશે. આ પરિષદ પ્રસંગે ટેકનીકલ સત્ર દ્વિપક્ષીય બેઠકો તેમજ મત્સ્યોદ્યોગ ક્ષેત્રે નવકલ્પના જેવા સત્રો યોજાશે. તેમજ આ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને ઉત્પાદનો દર્શાવતું પ્રદર્શન પણ યોજાશે. બે દિવસીય પરિષદમાં મત્સ્યપાલન ક્ષેત્રના નીતિ ઘડવૈયાઓ સંશોધકો અને નિષ્ણાતોને એક જ મંચ ઉપર સઘન ચર્ચા કરવાની તક મળશે.
આવતીકાલે વિશ્વ મત્સ્યપાલન દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદમાં યોજાનારી આ પરિષદનું આયોજન કેન્દ્રીય મત્સ્યપાલન, પશુપાલન અને ડેરી મંત્રાલય તેમજ ગુજરાત સરકારના મત્સ્યોદ્યોગ વિભાગના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવશે. ઉદઘાટન સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી, માહિતી અને પ્રસારણ મંત્રી ડો.એલ.મુરુગન અને રાજ્યકક્ષાના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી ડો.સંજીવ બાલિયાન, 10 જેટલા દેશોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળો, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના પ્રતિનિધિઓ, મત્સ્ય ઉદ્યોગ સંઘ, મત્સ્ય ઉદ્યોગ જગતના પ્રતિનિધિઓ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
