Skip to main content
Settings Settings for Dark

કોમનવેલ્થ ગેમ્સ 2030: તૈયારીઓની સમીક્ષા માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ ગુજરાતની મુલાકાતે, CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી બેઠક

Live TV

X
  • વર્ષ 2030માં યોજાનારી શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારીઓના નિરીક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી છે. પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં આ ટીમે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી, જેમાં મુખ્યમંત્રીએ ગેમ્સ માટે આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સમયસર આયોજન માટે રાજ્ય સરકારની મક્કમતા દર્શાવી હતી. આ ટીમ અમદાવાદ, વડોદરા અને એકતા નગર ખાતે સ્પોર્ટ્સ ફેસિલિટીઝની સાઇટ વિઝિટ કરશે, જ્યારે મુખ્યમંત્રીને 2026ની ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા માટે સત્તાવાર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું છે.

    વર્ષ 2030 માં ગુજરાત અને અમદાવાદમાં યોજાનારી પ્રતિષ્ઠિત શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સની પૂર્વતૈયારીઓના ભાગરૂપે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી પહોંચી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ શ્રીયુત ડોનાલ્ડ રૂકરેની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની આ ટીમ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનના પદાધિકારીઓ સાથે 8 થી 11 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ રમતગમત મથકોની મુલાકાત લેશે અને વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરશે.

    મુખ્યમંત્રી સાથે શુભેચ્છા મુલાકાત અને સરકારનું કમિટમેન્ટ
    આ ડેલિગેશને પોતાના ગુજરાત પ્રવાસનો પ્રારંભ ગાંધીનગરમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ સાથેની શુભેચ્છા મુલાકાતથી કર્યો હતો. બેઠક દરમિયાન મુખ્યમંત્રીએ વિશ્વાસ અપાવ્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 'ટાઇમ બાઉન્ડ અને ઇફેક્ટિવ પ્લાનિંગ'ના મંત્રને અનુસરીને રાજ્ય સરકાર આ ગેમ્સને ભવ્ય બનાવવા માટે કટિબદ્ધ છે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે 2030ની શતાબ્દી ગેમ્સ માટે જરૂરી તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ રાજ્ય સરકાર દ્વારા સમયસર પૂરી પાડવામાં આવશે.

    ગ્લાસગો કોમનવેલ્થ ગેમ્સ 2026 માટે ગુજરાતને આમંત્રણ
    મુલાકાત દરમિયાન કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરે અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતના આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી. તેમણે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલને આગામી જુલાઈ-ઓગસ્ટ 2026માં ગ્લાસગો  ખાતે યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના આયોજનનો અભ્યાસ કરવા માટે આમંત્રણ પાઠવ્યું હતું. મુખ્યમંત્રીએ આ આમંત્રણનો સહર્ષ સ્વીકાર કરતા ખાતરી આપી હતી કે ગુજરાતનું પ્રતિનિધિમંડળ ગ્લાસગોની મુલાકાત લેશે.

    અમદાવાદ અને વડોદરાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની લેશે મુલાકાત
    પોતાના ચાર દિવસીય પ્રવાસ દરમિયાન આ ટીમ અમદાવાદના વીર સાવરકર કોમ્પ્લેક્સ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, એકા એરેના તેમજ વડોદરા ક્રિકેટ સ્ટેડિયમની સાઇટ વિઝિટ કરશે. આ ઉપરાંત, ટીમ એકતા નગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેની તૈયારીઓનું પણ નિરીક્ષણ કરશે. આ નિરીક્ષણનો હેતુ 2030ની ગેમ્સ માત્ર રમતગમત પૂરતી સીમિત ન રહેતા ગુજરાતની સાંસ્કૃતિક વિવિધતાને પણ વિશ્વ સમક્ષ ઉજાગર કરવાનો છે.

    ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિ
    મુખ્યમંત્રી સાથેની આ મહત્વપૂર્ણ બેઠકમાં અગ્ર સચિવ અશ્વિનીકુમાર, મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવકુમાર, અધિક અગ્ર સચિવ ડો. વિક્રાંત પાંડે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ડીજી  વાળા સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત ગુજરાતને વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply