કોમનવેલ્થ ગેમ્સ 2030 ની તૈયારીઓ વચ્ચે ખેલપ્રતિભાઓને પોષવા કચ્છ બન્યું સજ્જ
Live TV
-
“મોબાઇલથી મેદાન તરફ” : નવી પેઢીને રમતમાં જોડવા કલેક્ટર દ્વારા પ્રેરણાદાયી પહેલ કરાઈ. આ ખાસ ઝુંબેશથી કચ્છના તમામ 9 તાલુકામાં 105 રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો અપાયો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સ્થાનિક સ્તરે ખેલપ્રતિભાઓની શોધ અને રમત-ગમતની પ્રવૃતિને પ્રોત્સાહન આપવા માટે ખેલો ઇંડિયા યુથ ગેમ્સની શરૂઆત કરાઇ છે. તે જ રીતે ગુજરાત રાજ્યમાં પણ ખેલપ્રતિભાઓના વિશિષ્ટ કૌશલ્યને વિકસાવવા અને ઉત્તેજન આપવા વિવિધ સ્તરે ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. આ બંને આયોજનથી અનેક પ્રતિભાવાન ખેલાડીઓ દેશ અને રાજ્યને પ્રાપ્ત થયા છે. તેમજ આ ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. આગામી સમયમાં જ્યારે ગુજરાત કોમનવેલ્થ ગેમ્સ વર્ષ 2030ની યજમાની કરશે તેમજ આ માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સરહદી કચ્છે પણ આંતરરાષ્ટ્રીય ગેમમાં દેશ અને રાજ્યને ગૌરવ અપાવે તેવા ખેલાડીઓ તૈયાર કરવા કમર કસી છે. નવી પેઢીને મોબાઇલના વળગણમાંથી બહાર કાઢી ગામના મેદાનો ગજવતા કરવા કચ્છ કલેક્ટર આનંદ પટેલ સમગ્ર રાજ્યને પ્રેરણા આપે તેવો ઐતિહાસીક નિર્ણય લીધો છે. કચ્છના બાળકોને અનોખી ભેટ સમાન આ નિર્ણયમાં ગુજરાતમાં સૌ પ્રથમ મહેસુલી તંત્ર દ્વારા મોટી સંખ્યામાં ગ્રામ્યકક્ષાએ રમત-ગમતના મેદાનો નીમ કરવાની કામગીરી કરાઇ છે. જે હેઠળ કચ્છ જિલ્લાના તમામ 9 તાલુકામાં એકસાથે 105 રમત-ગમતના મેદાન નીમ કરાયા છે.
આજના ડિજિટલ યુગમાં બાળકોનું બાળપણ મોટાભાગે મોબાઇલ અને સ્ક્રીન સુધી મર્યાદિત થઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં બાળકોને ફરીથી મેદાન તરફ આકર્ષવા માટે રમત-ગમતના પૂરતા માળખાની ઉપલબ્ધતા અત્યંત આવશ્યક છે. આ વિચારને સાકાર કરવા માટે કચ્છ જિલ્લામાં પડતર પડેલી સરકારી જમીનોની ઓળખ કરીને તેને રમત-ગમતના મેદાન તરીકે સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. માત્ર એક માસ જેટલા ટૂંકા ગાળામાં ફિલ્ડ વિઝિટ અને જરૂરી મહેસૂલી પ્રક્રિયા પૂર્ણ કરીને આ નોંધપાત્ર કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં 105 ગામના કુલ 105 રમત-ગમતના મેદાન નીમ કરી રેવન્યૂ રેકર્ડ પર લાવ્યા છે. આ કામગીરીથી કુલ 8,49,870 ચોરસ મીટર જમીન નીમ થતાં રમત-ગમત ક્ષેત્રે કચ્છના બાળકોનું ભવિષ્ય ઉજળું બનશે.
માત્ર એક જ મહિના જેટલા ટૂંકા ગાળામાં, ફિલ્ડ વિઝિટ સહિતની રેવન્યુ પ્રક્રિયાને પૂર્ણ કરીને રમત-ગમતના મેદાનોને સત્તાવાર દરજ્જો આપવામાં આવતા ગ્રામજનોમાં પણ ખૂશીની લહેર ફેલાઇ છે. ગુજરાત સરકાર રમતગમત નીતિને અંતર્ગત રમતગમતના વાતાવરણને લોકપ્રિય બનાવવા રાજ્યમાં ખાસ પ્રશિક્ષણ, રમતગમતના સાધનો અને માળખાગત સવલતો પુરી પાડીને ચંદ્રકો જીતી શકે તેવી ક્ષમતા ધરાવતા રમતવીરોને તૈયાર કરવા પ્રયત્નશીલ છે ત્યારે કચ્છના નીમ કરાયેલા મેદાન કચ્છમાં રમતવીરો તૈયાર કરવામાં મજબૂત નીવ સાબિત થશે. આ અંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ જેવા સરહદી તેમજ વિશાળ જિલ્લામાં બાળકો અને યુવાનોની શારીરિક અને માનસિક ક્ષમતા વધારવા માટે સ્પોર્ટસના મેદાન હોવા જરૂરી છે. ગુજરાત સરકારની રમત-ગમત નીતી હેઠળ કચ્છમાં ગ્રાસરૂટ કક્ષાએ માળખાગત સુવિધાઓ ઉભી કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ત્યારે આ નીમ કરાયેલા મેદાનો ખેલાડીઓને પ્રેક્ટિસ માટેની જગ્યાની ઉપરાંત ખેલ મહાકુંભ જેવી સ્પર્ધાઓ દ્વારા સ્થાનિક પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ચમકવાની તક આપશે.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સરહદી વિસ્તારમાં યુવાનોમાં સેનામાં જોડાવાનો ઉત્સાહ પણ નોંધપાત્ર હોય છે. આવી સ્થિતિમાં આ મેદાનો અગ્નિવીર, સેનાની વિવિધ પાંખો તેમજ પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનો માટે પણ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આગામી સમયમાં ડી.એમ.એફ., લોકલ ફંડ તથા અન્ય સરકારી યોજનાઓ હેઠળ આ મેદાનોના વિકાસ માટે વધુ સુવિધાઓ ઉભી કરવામાં આવશે. ઉપરાંત બીજા તબક્કામાં વધુ ગામોમાં મેદાનો નીમ કરવાની કામગીરી હાથ ધરાશે. આ વિચારને મૂતિમંત કરવા માટે કચ્છ મહેસૂલી તંત્રે ખાસ ઝુંબેશ આદરીને કચ્છના 9 તાલુકા જેમાં માંડવીમાં 37, મુંદરામાં 14, ભુજમાં 8, નખત્રાણામાં 5, અબડાસામા; 10, અંજારમાં 12, ભચાઉમાં 5, રાપરમાં 9, લખપતમાં 5 એમ કુલ 105 રમત-ગમતના મેદાનોને નીમ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમા સૌપ્રથમ કચ્છના મહેસુલીતંત્ર દ્વારા આટલી મોટી સંખ્યામાં સ્પોર્ટસને પ્રોત્સાહન આપવા એકસાથે મેદાનો નીમ કરાયા છે. જે કચ્છના બાળકો તથા યુવાનોના સર્વાંગી વિકાસ, રમતપ્રત્યેની રૂચિ સાથે કચ્છમાં સ્પોર્ટસ પ્રવૃત્તિઓને વેગ આપવાનો ઉમદા વિચારને બળ આપશે.
