વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ‘સસ્ટેનેબિલિટી હિલ’ બની આકર્ષણનું કેન્દ્ર
Live TV
-
‘ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન’ ની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત જ્યારે ટકાઉ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે સુરત ખાતે આયોજિત 'વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ' અંતર્ગત તા.5મી મે સુધી આયોજિત પ્રદર્શનમાં પર્યાવરણની જાળવણી અને કાપડ ઉદ્યોગના સમન્વયને દર્શાવતી ‘સસ્ટેનેબિલિટી હિલ’ ઉભી કરાઈ છે. ટેક્સટાઇલ અને ઉર્જા ક્ષેત્રે પર્યાવરણલક્ષી અભિગમને વેગ આપવા માટે ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસોસિએશન (TAADA) દ્વારા આ વિશેષ ઇન્સ્ટોલેશન તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ‘ફાર્મ ટુ ફાઇબર, ફાઇબર ટુ ફેબ્રિક અને ફેબ્રિક ટુ ફેશન અને ફેશન ટુ ફોરેન’ ની સમગ્ર સફરને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે. મુલાકાતીઓ અહીં ફાયબરમાંથી પ્રોસેસિંગ થઈને બનતા કાપડની સમગ્ર ચેઈન વિષે જાણકારી મેળવી સુરતના કાપડ ઉદ્યોગના વૈશ્વિક પ્રદાન વિષે ઊંડી સમજ મેળવી રહ્યા છે.
માત્ર કપાસ જ નહીં, પણ બામ્બુ, હેમ્પ, ફ્લેક્સ, કોટન ફ્લેક્સ, બનાના, હિમાલયન ઘાસ જેવા અન્ય મટીરીયલમાંથી પણ ફાઈબર બનાવી તેને પ્રોસેસ કરી મૂલ્યવાન કાપડ બનાવી શકાય છે. આ વાતની સમજ સ્ટોલ દ્વારા અપાઈ રહી છે. પર્યાવરણની જાળવણી માટે ગ્લોબલ ફેશન ઈન્ડસ્ટ્રી હવે સિન્થેટિકના બદલે વેસ્ટમાંથી બેસ્ટ સમાન અને આ પ્રમાણે તૈયાર થયેલા ફેબ્રિકસ જેવા કુદરતી વિકલ્પો તરફ વળી રહી છે. ટેક્સટાઇલ એન્ડ એપેરલ ડેવલપમેન્ટ એસો.(TAADA) દ્વારા 3,000 ચોરસ ફૂટના વિશાળ વિસ્તારમાં આ ઇન્સ્ટોલેશન ઊભું કરવામાં આવ્યું છે. જેમાં 5F ચેઈનને સસ્ટેનેબિલિટીના માપદંડો સાથે રજૂ કરવામાં આવી છે.
TAADA ના ચેરમેન અજોય ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે, સુરત હવે માત્ર કાપડના ડાઈંગ, પ્રોસેસિંગમાં જ નહીં, પણ ગાર્મેન્ટ સેક્ટરમાં પણ ગ્લોબલ લીડર બનવા તરફ આગળ વધી રહ્યું છે. ઘાસ, વાંસ અને છોડમાંથી બનતા ફેબ્રિક્સ પર્યાવરણને અનુકૂળ હોવાની સાથે સાથે ખેડૂતો માટે પણ આવકનો નવો સ્ત્રોત બની શકે છે, ત્યારે આ થીમ દ્વારા ગુજરાતને ગ્લોબલ ટેક્સટાઇલ હબની સાથે સાથે પર્યાવરણ સુરક્ષા અને ઔદ્યોગિક ઇનોવેશનના ક્ષેત્રે અગ્રેસર રાજ્ય તરીકે સ્થાપિત કરવા માટે કાપડ ઉદ્યોગકારો તલસ્પર્શી સમજ મેળવે અને સસ્ટેનેબિલિટી ડેવલપમેન્ટ તરફ આગળ વધે એ મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું ભટ્ટાચાર્યએ કહ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, વૈશ્વિક બજારમાં હવે ઓર્ગેનિક અને નેચરલ ફેબ્રિકની માંગ વધી રહી છે. સુરતના મિલો જો આ ક્ષેત્રમાં સંશોધન કરે, તો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ સાથે સ્પર્ધા કરી શકાય. દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે કેળાની ખેતી થાય છે, ત્યારે કપાસ સિવાય કેળના પાન અને તેના વેસ્ટ તેમજ વાંસમાંથી ફેબ્રિક બનાવવાથી વધવાથી દક્ષિણ ગુજરાતના ખેડૂતો વધારાની આવક મેળવશે અને સમૃદ્ધ બનશે. TAADA સંસ્થા આવા ઇકો ફ્રેન્ડલી કાપડના ઉત્પાદન માટે ઉદ્યોગકારોને તાલીમબદ્ધ કરવા તેમજ માર્ગદર્શન અને પ્લેટફોર્મ પૂરૂ પાડવા માટે સક્રિય છે.
સસ્ટેનેબિલિટી હિલમાં બે મુખ્ય વર્ટિકલ્સ: ફેબ્રિક અને એનર્જી
1) ફેબ્રિક વર્ટિકલ, જેમાં કાચા ફાઇબરમાંથી યાર્ન, ત્યારબાદ ફેબ્રિક અને છેલ્લે તૈયાર ગાર્મેન્ટ બનવાની સંપૂર્ણ પ્રક્રિયાને સરળતાથી સમજાવવામાં આવી છે. અહીં નવી પેઢીના ઇકો-ફ્રેન્ડલી ફેબ્રિક્સ અને ઉત્પાદન પદ્ધતિઓની સમજ આપી છે.2) એનર્જી વર્ટિકલ, ગોલ્ડી સોલારના સહયોગથી તૈયાર કરાયેલા આ વિભાગમાં રિન્યૂએબલ એનર્જીના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગમાં સોલાર પાવરનો ઉપયોગ, સોલાર આધારિત એપ્લિકેશન્સ અને ગ્રીન મોબિલિટી કન્સેપ્ટ્સ દ્વારા ઉદ્યોગ જગતને ક્લીન એનર્જી તરફ વળવા માટે પ્રેરિત કરવામાં આવશે.
કુદરતી અને ઈકો-ફ્રેન્ડલી ફાઈબર્સ
1) બામ્બુ (વાંસ): બામ્બુ ફેબ્રિક અત્યંત નરમ, એન્ટી-બેક્ટેરિયલ અને પરસેવો શોષવાની ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાંસનું ઉત્પાદન સારું થતું હોવાથી આ એક મોટો ઉદ્યોગ બની શકે છે.2) બનાના (કેળાના રેસા): કેળાના થડમાંથી નીકળતા રેસામાંથી સિલ્ક જેવું ચમકતું અને મજબૂત ફેબ્રિક બને છે. સુરત અને તાપી જિલ્લામાં કેળાની ખેતી મોટા પાયે થાય છે, તેથી વેસ્ટમાંથી બેસ્ટ (Waste to Wealth)માટેનો આ શ્રેષ્ઠ વિકલ્પ છે.
3) હેમ્પ (ભાંગના રેસા): આ કાપડ અત્યંત ટકાઉ અને ઠંડક આપનારુ હોય છે. તે શરીર પરનો પરસેવો શોષી લે છે. ઉગાડવા માટે ખૂબ જ ઓછા પાણી અને જંતુનાશકની જરૂર પડે છે.
4) હિમાલયન ઘાસ (Nettle): હિમાલયના વિસ્તારોમાં જોવા મળતા નેટલ ઘાસના રેસામાંથી મજબૂત અને પ્રીમિયમ ક્વોલિટીનું કાપડ તૈયાર કરવામાં આવે છે.
ફ્લેક્સ (લિનન) અને મિક્સ ફેબ્રિક્સ ફ્લેક્સ (Flax)
1) ફ્લેક્સ (લિનન): આ છોડમાંથી 'લિનન' બને છે, જે ઉનાળા માટે સૌથી વધુ પસંદ કરવામાં આવતું ફેબ્રિક છે
2) કોટન ફ્લેક્સ: કપાસ અને ફ્લેક્સનું મિશ્રણ કરીને આ ફેબ્રિક બનાવાય છે, જે લિનન જેવો લુક આપે છે પણ કિંમતમાં સસ્તું, ટકાઉ અને જાળવણીમાં સુગમ-સરળ હોય છેવાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ પૂર્ણ થઇ છે. પરંતુ વાયબ્રન્ટ એક્ઝિબીશન તા.5મી સુધી ખુલ્લું રહેશે. મુલાકાતીઓ, ઉદ્યોગપતિઓ અને યુવા સાહસિકો માટે જ્ઞાનવર્ધક અને માર્ગદર્શક સાબિત થઈ રહ્યું છે.
