ખંભાતમાં 70હજારથી વધુ લાભાર્થીઓને સાધનસહાયનું વિતરણ કરતા CM રૂપાણી
Live TV
-
જનવિકાસ ઝુંબેશ હેઠળ ખંભાત તાલુકાના ૭૦ હજાર ઉપરાંત લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે સાધન સહાયનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત ખંભાત નગરપાલિકા દ્વારા જનસુવિધા અને જન સુખાકારીના રૂ.૧૨.૮૫ કરોડના છ વિકાસ પ્રકલ્પોનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત - લોકાર્પણ કરાયું હતું.
આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યુ હતું કે રાજ્ય સરકારે જનતાની સુખાકારી માટે ઝડપથી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ સપનાને સાકાર કર્યા છે. રાજ્ય સરકાર સમાજના છેવાડાના માનવીના આર્થિક ઉત્કર્ષ માટે પ્રતિબધ્ધ છે.
વધુમાં તેમણે જણાવ્યુ હતું કે, ખંભાતનો વૈભવ વારસો પુનઃપ્રસ્થાપિત થાય તે માટે ખંભાતના બંદરને પુનઃજિવત કરવા સાથે ખંભાતમાં જી.આઇ.ડી.સી.ની સ્થાપના કરવામાં આવશે.
સીધી સહાય આપવાના મામલે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નાનામાં નાના માણસોના કામોને પ્રાધાન્ય આપી તેમને મળવાપાત્ર લાભો સીધે સીધા તેમના હાથમાં પહોંચાડી પારદર્શી પ્રસાશનની પ્રતિતિ કરાવી છે. વચેટીયાઓ-દલાલોની દુકાનો પર સરકારે ખંભાતી તાળા માર્યા છે. લોકોના નાણાંનો સદઉપયોગ થાય અને રાજ્યની તિજોરીને ભ્રષ્ટાચારનો કાળો પંજો ભરખી ન જાય તે માટે સરકારે ટેકનોલોજીનો વિનિયોગ કર્યો છે.
તેમણે વિધવા સહાય યોજનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, વિધવા સહાય યોજનાનું ગંગા સ્વરૂપા સહાયતા નામકરણ કરી વિધવા મહિલાઓનું સન્માન કર્યુ છે.
