ખેડા જિલ્લામાં પ્રેરણાદાયી પહેલ
Live TV
-
ખેડા જિલ્લામાં પ્રેરણાદાયી પહેલ: 'ગ્રામ વન યોજના' અંતર્ગત પીજ અને પીઠઈ ગ્રામ પંચાયતને વિકાસ કાર્યો માટે 92 લાખથી વધુની ફાળવણી
ખેડા જિલ્લામાં પડતર અને ગૌચર જમીનને વિકાસના શક્તિશાળી સાધનમાં પરિવર્તિત કરવાનો એક અનોખો અને પ્રેરણાદાયી પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. વન અને પર્યાવરણ વિભાગ દ્વારા "ગ્રામ વન યોજના" અંતર્ગત થયેલા ઠરાવ મુજબ જિલ્લાની પીજ ગ્રામ પંચાયત અને પીઠઈ ગ્રામ પંચાયતને વિવિધ વિકાસલક્ષી કામો માટે કુલ રૂપિયા 92 લાખ 73 હજારથી વધુની માતબર રકમ ફાળવવામાં આવી છે.
વૃક્ષારોપણથી લઈને સ્થાનિક વિકાસ સુધીનું ચક્ર
આ પહેલ માત્ર વૃક્ષારોપણ પૂરતી સીમિત નથી, પરંતુ ‘જમીનનું વનીકરણ અને આવકનું સ્થાનિક વિકાસમાં પુનઃરોકાણ’ એવા આર્થિક અને પર્યાવરણીય ચક્રને સાકાર કરતી અત્યંત દિશાદર્શક કામગીરી છે.જિલ્લા વન સંરક્ષણ અધિકારી આર.એમ. પુરોહિત એ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પડતર તથા ગૌચર જમીનનો રચનાત્મક ઉપયોગ કરીને એક તરફ વિસ્તારમાં હરિયાળી વધારી શકાય છે અને બીજી તરફ ભવિષ્યમાં ગામના સર્વાંગી વિકાસ માટે કાયમી આવકનું સાધન ઊભું કરી શકાય છે.
અન્ય પંચાયતો માટે પણ માર્ગદર્શનની અપીલ
આ સફળ પહેલ બાદ વન વિભાગ દ્વારા જિલ્લાની અન્ય ગ્રામ પંચાયતોને પણ તેમની પાસે ઉપલબ્ધ પડતર તથા ગૌચર જમીનમાં વૃક્ષારોપણ અને વનીકરણ માટેની શક્યતાઓ અંગે સત્તાવાર માર્ગદર્શન મેળવવા માટે વિશેષ અપીલ કરવામાં આવી છે, જેથી સમગ્ર જિલ્લામાં હરિયાળી અને વિકાસના નવા દ્વાર ખૂલી શકે.
