ખેડૂતો અને પશુપાલકો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય
Live TV
-
રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકો માટે મહત્વનો નિર્ણય કરતાં ઉત્તર અને મધ્ય ગુજરાતની આઠ નદીઓમાં નર્મદાના નીર છોડવામાં આવી રહ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને નર્મદા મંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યુ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા યોજનામાં મધ્યપ્રદેશમાં હાઈડ્રો પાવર પ્રોજેકટ ચાલુ હોઈ મધ્યપ્રદેશમાંથી પાણી છોડવાના કારણે મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે.
આ આવકને પરિણામે ખેડૂતો અને પશુપાલકોને પાણી પૂરૂ પાડવા માટે રાજય સરકાર દ્વારા નર્મદા મુખ્ય કેનાલ દ્વારા પાણી છોડવામાં આવી રહ્યુ છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતની દશ પૈકી આઠ નદીઓમા નર્મદાના નીર છોડવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે.
જેના પરિણામે આ વિસ્તારના લાખ્ખો ખેડૂતોને સિંચાઈની સુવિધા અને પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ થશે. આ સાથે ભૂગર્ભ જળ રીચાર્જ થશે અને કેનાલ હેડ પાવર હાઉસમાંથી આ વધારાનું પાણી પસાર થતાં જળ વિદ્યુત ઉત્પાદનમાં પણ વધારો થશે.
